પિઠોરા આર્ટ : રાઠવા પરેશભાઈ જયંતીભાઈ
મોબાઈલ : ૯૫૮૬૫૫૨૩૬૮
email : pareshrathwa68@gmail.com
પિઠોરા રાઠ ક્ષેત્રની આદિમ સંસ્કૃતિનું અત્યંત મહત્વ પૂર્ણ અને આસ્થાનું સામુદાયિક પૂજન વિધિનું ભીત-ચિત્ર છે.
“પિઠોરા” એ ગુજરાતના આદિવાસીઓમાં રાઠવા જાતિના લોકદેવતા મનાય છે. પિઠોરા રાઠ ક્ષેત્રની આદિમ સંસ્કૃતિનું અત્યંત મહત્વ પૂર્ણ અને આસ્થાનું સામુદાયિક પૂજન વિધિનું ભીત-ચિત્ર છે. ઘરમાં કોઈ વધારે બીમાર હોય, ખેતી ના થતી હોય, પશુ-ઢોર મૃત્યુ પામતાં હોય, કે ઘરમાં સંતાન પ્રાપ્ત ના થતું હોય તો તેને દેવનો કોપ અથવા દેવ નારાજ થઇ ગયા હોવાનું અથવા ઘરમાં મૃત્યુ પામેલ પૂર્વજોને જવાબદાર માનવામાં આવે છે. આવા સમયે ઘર માલિક ખાખરાના પાંદડામાં અડદ ના દાણા બાંધીને “બળવા” પાસે જય છે. બળવો બે કે ત્રણ દાણા જમીન પર કે પાણી ભરેલા લોટામાં નાખે છે. અને જોડે જોડે કેટલાંક બોલ બોલતો જાય છે. ત્યાર બાદ ઘર માલિકને બતાવે છે કે દેવતાઓનો કોપ ઉતરેલ છે કે દેવ નારાજ છે અથવા ઘરમાં પૂર્વજોની આત્મ નડી રહી છે. એટલે ઘરમાં સુખ શાંતિ નથી. આ દેવના કોપથી અથવા આત્માની નારાજગીને દુર કરવા તેના ઉપાય માટે ઘર માલિકને “બળવો” પાંચ કે સંત વર્ષ ની અંદર પાણગું કરવાની બધા લેવડાવે છે. જેટલા વર્ષની બધા રાખી હોય તેટલા વર્ષમાં તકલીફ દૂર થઇ જાય તો ઘરમાં ઘર માલિકે “પિઠોરા” દેવને ઘરની દીવાલ કે ભીંત પર ચિત્રી ને બધા પૂરી કરવી પડે.
આ બધા પૂરી કરવા માટે ઘરની ઓસરી ની મોટી ભીંત પર “પિઠોરા” નું સરસ રંગીન ચિત્ર દોરવામાં આવે છે.
“પિઠોરા” ની બાધા ખાસ કરીને શિયાળામાં હોળીના તેહવાર પેહલા ઉજવાય છે. પિઠોરા હંમેશા ગુજરીના (બુધવારે ) દિવસે ( લખવામાં ) દોરવામાં આવે છે. આ “પિઠોરા” લખવાનું કામ ખાસ કરીને રાઠવા સમાજના પુરુષો દ્વારાજ કરવમાં આવે છે. જેને લખારા (ચિતારા ) કેહવાય છે. પીઠોરાની વિધિમાં પૂજા કરવાનું કામ, બોલવાનું કામ “બળવો”, પુંજારો અને તેના સાથીદારો કરે છે. આ તમામ આદિવાસીઓ હોય છે.
“પિઠોરા” ચિત્ર કરવાનું હોય તે ઘરની ઓશરીની ભીતની વચ્ચે અને આજુ બાજુની ભીંત ઉપર કુંવારી છોકરીઓ જમીનનની માટી અને છાણ મિક્ષ કરીને આખું અઠવાડિયું રોજ લીપણ કરે છે. “પિઠોરા” જે દિવસે ચીતરવાનો હોય તે દિવસે ઘર માલિક લખનાર ( “પીઠારો” પેઈન્ટર ) તેમજ ” બળવા” ને ( પુજારી ) માથા માં દહીં અને ગરમ પાણીથી સ્નાન કોરું વસ્ત્ર પેહરાવે છે . ત્યાર બાદ ચિતરો (પેઈન્ટર ) એક થાળીમાં દીવો, ચોખા, સિંદુર રાખી પૂજાનું વધામણું તૈયાર કરી ધરતી ઉપર મહુડાના ફળનો દારૂની ધાર આપી ભીત ની પૂજા કરે છે. ત્યાર બાદ “પિઠોરા” ચિત્રકાર ખાખરાના પાંદડા ના વાડકા બનાવી તેમાં સિન્દુરીયો (ઓરેન્જ) સિંદુર માંથી, લાલ કલર કંકુ માંથી, પીળો કલર હળદર માંથી, કાળો કલર કાજળ માંથી, લીલો રંગ ઝાડ-પાન પીસી સફેદ માટી ભેળવી બનાવી તેમાં મહુડાના દારૂના ટીપા તેમજ ગાયના દૂધ માંથી તૈયાર કરે છે. (આજે સિમેન્ટ દીવાલ હોવાથી તૈયાર અક્રેલીક કલરનો છે.) ત્યાર બાદ “પિઠોરા” ના ઘોડાના બીબાને ભીંત ઉપર મૂકી આઉલાઈન કરવામાં આવે. બધા પ્રમાણે પાંચ, નવ અથવા અઢાર ઘોડા દોરી વાંસની સળીને પીંછી બનાવી ચિતરો પિઠોરો દોરવાનું કામ કરે છે.
આ દોરેલા “પિઠોરા” ચિત્રની શરૂઆતમાં ભીતની ચારે બાજુ પોહ્ળી ડુંગર જેવી દેખાતી બોર્ડર દોરવામાં આવે છે જેને ધરતી ની હદ કેહવામાં આવે છે. નીચેની બાજુ દરવાજો બનાવવામાં આવે છે. તેની બંને વાધ દોરી તેમના પંજામાં દબાવાયેલું હરણ દર્શાવવામાં આવે છે. ડાબી બાજુના ખૂણે સૂર્ય જમણી બાજુ ચંદ્ર દોરવામાં આવે છે. વચ્ચેના ભાગે પીઠોરાની બધા મેઈન ઘોડાઓમાં પેહલો ઘોડો ગામ દેવ, બીજો “પિઠોરો” ની રાણી કાજલનો ઘોડો, ત્રીજો સાદડાનો ઘોડો, ચોથો મેઈન પિઠોરાનો ઘોડો કે જેના હાથમાં પોપટ નું નિશાન છે. પાંચમો પિઠોરો રાણીનો ઘોડો, છટ્ઠો કાનીયાનો ઘોડો અને સાતમો હોકા ગણેશનો ઘોડો બનાવેલ છે. એને કાળુંરાણો કહે છે.
“પિઠોરા” ની નીચે રાજા ભોજની અંબાડી વાળો હાથી દોરવામાં આવશે. ત્યાર બાદ ખેતી કરતાં ખેતર પાળ, ધાન લઇ જતો કોઠાર, બાર માથા વાળો રાજા રાવણ, મહુડાનું ઝાડ, તાડનું ઝાડ અને તાળ પર ચડતો માણસ, કુવો, પનિહારી, બકરી, મરઘી, ગાય, પરિવાર, ખેતરમાં ઉગેલો ડાળો, ઢાંક વગાડતો ગીત ગાતો ટીટીયો, કાળું રાણાનો ઘોડો, ઉપરના ભાગમાં શિકાર કરતો ડામોર દેવ, નાચતા કુદતા રાઠવા લોકો, હાદરાજ દેવની ઉટ સવારી, વચ્ચેના ભાગમાં લાંબી ડુંગર વાળી અસાળ પર પાંચ વાંદરા, સાપ, વિછી, કીડી, પોલીસ ચોકી, વલોણું ફેરવતું રાઠવાનું કપલ, સંસાર પ્રાપ્તિ માટે સંભોગ કરતુ જોડું, વગેરે જીવ સૃષ્ટી તેમજ પ્રકૃતિના ચિત્રો દોરવામાં આવે છે. આજુ બાજુ પાંચ ઉભા ઘોડા તેમજ પૂર્વજ દોરવામાં આવે છે.
પિઠોરા ચિત્ર દોરતું હોય ત્યારે ગાયણી ( “પિઠોરા” ની કથા ગાનાર ) અને તેના સાથીદાર ઢાક ( ડાકલા ) વગાડીને પિઠોરા ચિત્રમાં દોરાયેલા દરેક ચિત્રનો ગીતો ગાઈને તેની કથા કહે છે. ઘરની સ્ત્રીઓ માં ઘરમાં બેસીને પિઠોરા ના ગીતો ગાતી હોય છે. દોરેલી જગ્યાને પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે. બીજી ઘરના બહારના ભાગે ઇન્દ્રરાજાને માટે પાંચ સાત કણબીના ઝાડની ડાળો કાપી લાવી જમીન પર છાણ માટીનું લીપણ કરી રોપવામાં આવે છે. અને તેનું પૂંજન કરવામાં આવે છે. આવા સમયે બાળકો-યુવાનો-સ્ત્રીઓ અને મોટેરા મોટા ઢોલ વગાડીને તથા પીહવા વગાડીને તેમજ કિકિયારીઓ પાડીને ખુબ આનંદ થી નાચે કુદે છે. “બળવા” “પિઠોરા” દેવને રીજવવા માટે બકરા, મરઘાં-મરઘી તેમજ મહુડાનો દારૂનો અને અડદ ના ધાન માંથી બનાવેલા ઢેબરાનો ભોગ ધરાવવામાં આવે છે. આ પ્રસાદી ઉત્સવમાં સૌ ભેગા મળીને આરોગે છે. આ રીતે “પિઠોરા” દેવ નું ચિત્ર, પૂંજન અને પૂરો ઉત્સવ માનવે છે.
ઘર માલિક પૂંજન થઇ ગયા બાદ વરસો વરસ વાર તેહવારે “પિઠોરા” ને ધૂપ દીવા કરીને ખેતરમાં રહેલા નવા ધનનો ભોગ ધરાવતા રહી દેવનું પૂંજન કરે છે. ઘરની સ્ત્રીઓ ( પરણીને આવેલ ) “પિઠોરા” ચિત્રની પાસેથી નીકળતા મોઢું ઢાંકેલું રાખી મર્યાદા જાળવી શરીરનો કોઈ ભાગ અડે નહિ તેવી કાળજી રાખી મર્યાદા માં રહે છે.
મિત્રો આ રીતે “પિઠોરા” નું ચિત્ર પૂંજન પૂર્ણ થાય છે. આ પીઠોરાની બધા પૂરી કરવા આજના જમાના માં પોતાની શક્તિ પ્રમાણે કમ સે કમ ૮૦૦૦૦ થી ૧૦૦૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે.
You must be logged in to post a comment.