- This event has passed.
World Indigenous Day 2023 Celebration by Samast Adivasi Samaj Surat – Indigenous Youth as Agents of Change
August 8, 2023 - August 9, 2023
Free
સમસ્ત આદિવાસી સમાજ, સુરત શહેર દ્વારા 9 ઓગસ્ટ 2023ના રોજ “વિશ્વ આદિવાસી દિવસ” ભવ્ય અને ઉત્સાહપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરાયેલ થીમ “આત્મનિર્ધારણ માટે પરિવર્તનના દૂત તરીકે આદિવાસી યુવાનો (Indigenous Youth as Agents of Change for Self-determination)” પર આધારિત હતી. આ થીમ દ્વારા આદિવાસી યુવાનોની ભૂમિકા, પર્યાવરણ સંરક્ષણ, સંસ્કૃતિના જતન અને પોતાના સમાજના ભવિષ્યના નિર્માણમાં તેમની જવાબદારીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત માંડરવાજા ખાતે આવેલ બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિિમાને પુષ્પહાર અને પુષ્પવર્ષા અર્પણ કરીને કરવામાં આવી હતી. સમસ્ત આદિવાસી સમાજ સુરતના અધ્યક્ષ શ્રી કાંતિભાઈ એફ. કુંબી તેમજ ગામિત, ચૌધરી, કુકણા, નાયકા, ધોડિયા, રાઠવા, મીના, વસાવા, હળપતી અને ભીલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ બાદ ભવ્ય રેલી માંડરવાજાથી શરૂ થઈ ઉમરા પોલીસ સ્ટેશન પાસે આવેલા SMC પાર્ટી પ્લોટ સુધી પહોંચી હતી. રેલી દરમિયાન આદિવાસી મહિલાઓના સંઘર્ષ, સંસ્કૃતિના સંરક્ષણમાં તેમની ભૂમિકા અને પોતાના બાળકોને વધુ મજબૂત, સ્વસ્થ અને શિક્ષિત બનાવવાના તેમના સંકલ્પ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
સમાજના આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં સમાજના હકો અને આદિવાસી સમાજને અસર કરતા પ્રશ્નોને લઈને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલી ફરી આગળ વધીને કાર્યક્રમ સ્થળે પહોંચી હતી.
કાર્યક્રમ સ્થળે વિશાળ મંચ તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યાં વિવિધ આદિવાસી સમાજોના આગેવાનો દ્વારા સમાજની વર્તમાન પરિસ્થિતિ, હકો, શિક્ષણ, યુવાનોના ભવિષ્ય અને સમાજના વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ યુવા ગ્રુપો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સુરતની કુમારી રોશની પટેલ દ્વારા ખૂબ જ પ્રેરણાદાયક અને જાગૃતિ લાવતું ભાષણ આપવામાં આવ્યું હતું. તેમણે આદિવાસી સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ, ભણતર, આર્થિક અને સામાજિક પડકારો વિશે ઊંડાણપૂર્વક વાત કરી હતી. તેમણે યુવાનોને શિક્ષણ તરફ આગળ વધવા, પોતાની સંસ્કૃતિ પર ગૌરવ અનુભવવા અને સમાજ માટે જવાબદારી સ્વીકારવા પ્રેરિત કર્યા હતા. તેમના ભાષણમાં આદિવાસી સમાજના વિભાજન, ભણતરનો અભાવ, આર્થિક મુશ્કેલીઓ અને સંસ્કૃતિના જતન જેવા મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
ભીલ સમાજ, ચૌધરી સમાજ, રાઠવા સમાજ અને ધોડિયા સમાજના યુવાનો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેને લોકો દ્વારા ખૂબ વખાણ મળ્યા હતા.
આ ઉપરાંત મહાન આદિવાસી વિર પુરુષ તંત્યા ભીલ (તંત્યા મામા) ના જીવન અને સંઘર્ષ પર આધારિત નાટકનું મંચન કરવામાં આવ્યું હતું. આ નાટક બિરસા મુંડા ગ્રુપ દ્વારા આશિષ પટેલના નેતૃત્વ હેઠળ રજૂ થયું હતું. નાટકનું લેખન અને તૈયારી સમસ્ત આદિવાસી સમાજ સુરતના સંગઠન મંત્રી શ્રી નિરવ ગરાસિયા દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન નાના બિરસા તરીકે ઓળખાતા વિરાજ મેડા દ્વારા પણ ભાવનાત્મક અને વિચારપ્રેરક ભાષણ આપવામાં આવ્યું હતું. તેમણે આદિવાસી સમાજની એકતા, ભણતર, ભાષા, સંસ્કૃતિ અને ભવિષ્ય અંગે પ્રશ્નો ઉઠાવી સમાજને વિચારવા મજબૂર કર્યો હતો. તેમના શબ્દોએ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિના મનને સ્પર્શી લીધા હતા.
સમાજના ગૌરવ વધારનાર અને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર વ્યક્તિઓને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મંચ પરથી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે શ્રી જયંતિભાઈ બી. પવાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર દિવસ આદિવાસી એકતા, સંસ્કૃતિ, શિક્ષણ, હકો અને યુવાનોની શક્તિને સમર્પિત રહ્યો.
આ ઉજવણી દ્વારા સમસ્ત આદિવાસી સમાજ સુરતે ફરી એકવાર સાબિત કર્યું કે યુવાનો સમાજના સાચા પરિવર્તનકારક બની શકે છે અને પોતાની સંસ્કૃતિ તથા હકો માટે મજબૂત અવાજ બની શકે છે.