ડ્રેગનફ્રુટ એ સારૂ આરોગ્ય આપનાર ઔષધિય ગુણ ધરાવે છે. ઘણા શહેરી ગ્રાહકો કે જેઓ ડાયાબિટીસ, કાર્ડિયો-વેસ્ક્યુલર અને અન્ય તાણ સંબંધિત બીમારીઓ થી અને કુદરતી ઉપચારને પ્રાથમિકતા આપે છે તેમના માટે આ ફળ ખુબજ ફાયદાકારક છે. શુષ્ક પ્રદેશ માં છેલ્લા બે ત્રણ દાયકાથી વાતાવરણ માં નોધપાત્ર બદલાવ થયા છે, જેને લીધે વરસાદ ની અનિયમિતતા અને પાક નિષ્ફળ જવાની શક્યતાઓ પણ વધી રહી છે. આ બધી સમસ્યાઓને ધ્યાનમાં લઇ ને ઘણા ખેડૂતો ડ્રેગનફ્રુટની ખેતી તરફ વળ્યા છે. કારણ કે તે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ સાથે ખરાબ જમીન માં પણ થઇ શકે છે. આ ઉપરાંત તેના છોડા અને ફળ પણ દેખાવ માં આકર્ષક હોય છે. પરંતુ ડ્રેગન ફ્રુટ નું વાવેતર કરવા માટે ભારતના ખેડૂતોને હજુ વધુ જાગૃત થાવાન છે.

  • ડ્રેગન ફ્રુટના પ્રકાર:

વાનસ્પતિક રીતે ડ્રેગનફ્રુટ નાં ત્રણ પ્રકાર છે,

૧. લાલ છાલ સફેદ પલ્પ  

૨. લાલ છાલ લાલ પલ્પ  

૩.પીળી છાલ સફેદ પલ્પ  

  • ડ્રેગનફ્રુટ નું મહત્વ:

                    ડ્રેગન ફ્રુટ માં ૭૦ થી ૮૦% જેટલો પલ્પ હોય છે, ફક્ત તે જ ખાધ ભાગ છે. ઘણાબધા ચિકિત્સકો નું કહેવુંછે કે તે ડાયાબિટીસ અટકાવે છે, શરીરનાં ઝેરી દ્રવ્યો ને ઓછા કરે તેમજ કોલેસ્ટેરોલ અને  લોહી નું દબાણ પણ ઘટાડે છે. તે વિટામીન સી, એન્ટિઓક્સિડન્ટ, ફાઈબર, ફોસ્ફરસ અને કેલ્શિયમ થી સમૃદ્ધ હોય છે. તેમાં ૧૫-૧૮ ડીગ્રી બ્રિકસના TSS સાથે ઉચ્ચ ખનીજ દ્રવ્યો હોય છે. ડ્રેગન ફ્રુટમાંથી ઔદ્યોગિક ઉત્પાદનો જેવા કે રસ, જામ, સીરપ આઈસ્ક્રીમ, દહીં, જેલી, કેન્ડી અને પેસ્ટ્રીઝની બનાવટો બનાવી શકાય છે. લાલ અને ગુલાબી ડ્રેગન ફ્રુટ નો ઉપયોગ કુદરતી રંગો બનાવવા પણ થાય છે. આ ઉપરાંત ડ્રેગન ફ્રુટનો ઉપયોગ સલાડ અને તેની કળીઓનો ઉપયોગ સૂપ બનાવવામાં થાય છે.

  • વાતાવરણ:

              ઉષ્ણકટીબંધ આબોહવા અને મહત્વ ૨૦ સે. થી ૩૦ સે. તાપમાન ડ્રેગન ફ્રુટ માટે અનુકુળ છે. ડ્રેગન ફ્રુટના છોડની તંદુરસ્તી, વિકાસ અને વૃદ્ધિ માટે ૫૦૦ થી ૧૫૦૦ મીમી સરેરાશનો વરસાદ અનુકુળ છે. જો કે સુકા પ્રદેશમાં સિંચાઈની સુવિધા હોય તો તેમાં ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી શકાય છે. વધારે પડતા વરસાદમાં વધારાનું પાણી ખેતરની બહાર કાઢવાની સુવિધા ના હોય તો થાળ અને ફળમાં સડો લાગવાની શક્યતા રહે છે.

  • રોપણી અને કર્ષણ પદ્ધતિ:

                 ગરમ અને ભેજવાળું વાતાવરણ ડ્રેગન ફ્રુટના છોડને માફક હોવાથી તેની રોપણી જુનથી લઈને ઓગષ્ટ સુધી કરી શકાય છે. ડ્રેગન ફ્રુટની રોપણી કટકા વડે થાય છે. છોડના સારા વિકાસ માટે ૧૫ સે.મી. થી ૩૦ સે.મી. ના કટકા નો ઉપયોગ કરવો જોઈએ. મૂળના સડાનાં રોગને રોકવા માટે, કટકાને ફૂગનાશકની માવજત આપી ઠંડી અને સુકી જગ્યાએ રાખી ૫ થી ૭ દિવસ પછી નર્સરીમાં રોપણી કરવી. ૩૦ થી ૪૦ દિવસમાં મૂળના ઉદ્દભવ પછી તેને મુખ્ય ખેતરમાં બે હાર વચ્ચે ૪ મીટરના અંતરે રોપણી કરવી. ઓછી ફળદ્રુપતા ધરાવતી જમીન માટે ૩ મીટર × ૩ મીટર અંતર ઇચ્છનીય છે.

  • ટ્રેનીગ અને પુર્નીગ: 

                 ડ્રેગન ફ્રુટ એ થોર કુળની વેલ ધરાવતી વનસ્પતિ છે અને તેને ઉપરની તરફ વધવા માટે સ્તંભ/કોલમ/લાકડી અથવા દીવાલની જરૂર પડે છે. અપરિપક્વ ડાળીને કોલમ સાથે બાંધી દેવામાં આવે છે, જેથી ઉપરની તરફ તેનો વિકાસ થઇ શકે. આ કોલમ મજબુત અને ટકાઉ હોવી જોઈએ, જેનો માટે સિમેન્ટ કોન્ક્રીટ અથવા મજબુત લાકડી વાપરવી જોઈએ, જેના માટે સિમેન્ટ કોન્ક્રીટ અથવા મજબુત લાકડી વાપરવી જોઈએ. દરેક કોલમની ચારે બાજુ ચાર છોડ રોપવા જોઈએ. વેલાને બાંધવા અને નિયમિત મોટી ડાળખાઓની છાંટાણી (પૃનીંગ) કરવી અતિ આવશ્યક છે. વેલા કોલમ સુધી પહોંચવા સુધી ડાળીઓને મુક્ત રૂપે વધવા દેવામાં છે અને બીજી ડાળખીઓ કાપી નાખવામાં આવે છે. આ પદ્ધતિને પૃનીંગ કહેવાય છે. કાપેલી ડાળખીઓમાંથી નવા છોડ ઉછેરી શકાય છે જેમાથી વધારાની આવક મેળવી શકાય છે. જેમ જેમ છોડની ઘનિષ્ઠતા વધે છે, તેમ રોગ-જીવાત આવવાની સંભાવના પણ વધે તેના નિવારણ માટે વધારાની ડાળખાઓની છાંટાણી કરીને ૩૦ થી ૪૦ જેટલી રાખવામાં આવે છે. આ પદ્ધતિને ટ્રેનીગ રાખવામાં આવે છે. આ પદ્ધતિને ટ્રેનીંગ કહેવામાં આવે છે. કાપણી બાદ ૫૦ જેટલી મુખ્ય શાખાઓ સાથે એક બે ગૌણ શાખાઓને રાખી બાકીની શાખાઓને કાઢી છોડને ફૂગનાશકની માવજત આપવામાં આવે છે.

  • પોષણ વ્યવસ્થાપન:

                  રોપણી દરમ્યાન ૧૦ થી ૧૫ કી.ગ્રા. છાણીયું ખાતર અને ૧૦૦ ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ પ્રત્યેક છોડ દીઠ આપવું. પ્રથમ બે વર્ષોમાં પ્રતિ છોડ દીઠ ૩૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૨૦૦ ગ્રામ ફોસ્ફારસ અને ૨૦૦ ગ્રામ પોટેશિયમ આપવું. પ્રત્યેક પરિપક્વ છોડને દર વર્ષે ૫૪૦ ગ્રામ નાઈટ્રોજન, ૭૨૦ ગ્રામ ફોસ્ફરસ અને ૩૦૦ ગ્રામ પોટેશિયમ આપવું. પોષકતત્વોની આ માત્રાને વાર્ષિક રૂપે ચાર ડોઝમાં આપવી જોઈએ.

  • જળ વ્યવાસ્થાપન

                 આ પાકને પાણીની ખાસ જરૂરીયાત રહેતી નથી, પરંતુ છોડના લાંબા આયુષ્ય માટે પિયતનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય રીતે ફૂલ આપવાના પૂર્વે જમીન સુકી રાખવામાં આવે છે, જેને લીધે વધારે ફૂલ ખીલે છે. જમીનનાં ભેજ ને જાળવી રાખવા સુક્ષ્મ પિયત પદ્ધતિ નો ઉપયોગ કરવો જોઈએ.

  • જાણવળી અને કાપણી:

                સીતોષ્ણ વિસ્તારમાં પુષ્પવીન્યાસ મેં-જુન મહિનામાં ચાલુ થાય છે. રોપણીના ૬ થી ૯ મહિના બાદ ફળ આવવાનું ચાલુ થાય છે. અપરિપક્વ ફળની છાલ ચળકતા લીલા રંગની હોય છે, જે પાકવાના સમય ધીમે ધીમે લાલ રંગમાં રૂપાંતરિત થાય છે. ફળોને સૂર્યના તીવ્ર કિરણો અને પક્ષીઓથી રક્ષણ આપવા હવાદાર પેપર બેગનો ઉપયોગ કરવો. પાકની કાપણી માર્કેટ ની માંગ અનુસાર કરવી ઇચ્છનીય છે. સ્થાનિક માર્કેટમાં  વેચાણ કરવા માટે કાપણી ફળની છાલ, લાલ અથવા ગુલાબી રંગની થાય પછી ૩ થી ૪ દિવસે કરવી, પણ દુરના માર્કેટમાં વેચાણ કરવું હોય તો ફળનો રંગ બદલાયાનાં ૧ દિવસમાં કાપણી કરવી.

  • ઉત્પાદન:

           રોપણીના પ્રથમ વર્ષથી જ ફળ લાગવાના ચાલુ થઇ જાય છે, પરંતુ સચોટ વ્યવસ્થાપન વડે ત્રીજા વર્ષથી સરેરાશ ઉત્પાદન ૧૦ થી ૧૨  ટન જેટલું મેળવી શકાય છે.

  • સંગ્રહ:

           ઓરડાના તાપમાને (૨૫ સે. થી ૨૭ સે.) આ ફળ ૫ થી ૭ દિવસ, શીતગાર/૧૮ સે. તાપમાને ૧૦  થી ૧૨ દિવસે અને ૮ સે. તાપમાને ૨૦ થી ૨૨ દિવસ સુધી સંગ્રહી શકાય છે.

  • ઉત્પાદન, નફો અને ખર્ચ:

           ડ્રેગન ફ્રુટની ખેતી લાભદાયી વ્યવસાયના રૂપમાં ૬ થી ૭ લાખ રૂપિયાના પ્રારંભિક ખર્ચ પ્રતિ હેકટરે ચાલુ કરી શકાય છે. આ પાકને પાક વ્યવસ્થાપનની ખાસ જરૂરીયાત રહેતી નથી. ફળ ઉત્પાદનના સમયે આજુબાજુના શહેરોમાં પ્રતિ કી.ગ્રા. રૂ. ૧૨૦ થી ૨૫૦ લેખે વેચીને સારી આવક મેળવી શકાય છે. પાકના બીજા અને ત્રીજા વર્ષ દરમ્યાન ચોખ્ખી આવક રૂ. ૩થી ૪ લાખ પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ અને ચોથા વર્ષથી રૂ. ૬ થી ૭ લાખ પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ મેળવી શકાય છે.          

લિ. ખ્યાતિ એમ. પટેલ

બાગાયત અધિકારી

નર્મદા