Dhodiya

4 Comments

રેહથાણ

વ્યારા, વાલોડ, મહુવા, ચીખલી, ખેરગામ, પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર, કપરાડા, વાંસદા, નવસારી, ગણદેવી, મહારાષ્ટ્ર થાણા થી લઈને મુંબઈ સુધી પસરાયેલા છે. તદુપરાંત સેલવાસ, દાદરાનગર હવેલી, ઉમરગામ ની નજીક મહારાષ્ટ્ર માં પણ વસેલા છે.

ભાષા/બોલી

ધોડિયા બોલી 

કુળદેવી/કુળદેવતા

કુળદેવી : કંસેરી / કન્સેરી અને કુળદેવતા : બરમ દેવ 

પહેરવેશ

પુરુષ : માથે ફેટો, લંગોટી અને ખમીસ પેહરે, કમરે દોરી બાંધે છે. એને કંદોરો કેહવાય છે. લંગોટી પેહરે અને ઉપર કાપડનો કટકો વીટાળે છે. મોટી ઉમરના બાળકો ચડ્ડી અને ખમીસ પેહરે છે. ઘણી વખત બાળકો પણ લંગોટી પેહરે છે. યુવાનો ચડ્ડી તથા પેહરણ, બંડી, ખમીસ, માથે ફળિયું કે ટોપી પેહરે છે.

સ્ત્રીઓ : કાળી લીટી વાળું લૂગડું જેને ચણા ચોકડીની સાડી કેહવામાં આવે છે. ચણા ચોકડીની આખી સાડીમાંથી અડધા સાડલાનો કછોટો મારીને અડધોભાગ છાતી ઉપર વીટી ને માથે ઓઢે છે. પરણેલી સ્ત્રીઓ માથા સુધી ઓઢે છે. કુંવારી સ્ત્રીઓ કછોટી વાળે અને કબજો પેહરે છે. ખેતી કામને કારણે મોટે ભાગે અડધું લૂગડું પેહરે છે, જેને નિહાનું કહે છે. નિહાના ની સાથે માથે ઓહિયો બાંધે છે.


ધોડિયા કોણ છે ? ક્યાં થી આવ્યા ? તેમનો પ્રાચીન ઈતિહાસ શું છે ? વગેરે બાબતો વિશે કોઈ ચોક્કસ જુનો ઈતિહાસ મળતો નથી. પરંતુ છુટા છવાયા પુરાવાઓ એકત્ર કરતાં એમ જણાય છે કે ધોડિયા ઓ પ્રાચીન કાળથી ક્યાંતો દક્ષીણ ના રાજ્યોમાં અથવા દક્ષીણ ગુજરાત માં અસ્તિત્વ ધરવતા હતા. ધોડિયા જાતિનું મૂળ દક્ષીણ ગુજરાત સાથેની બીજી જાતિઓના સંબંધ ઉપરથી મળતું નથી. દુબળા શબ્દ દુર્બળ શબ્દ નો અપભ્રંશ છે. તે નામ તેમની પર ચઢાઈ કરી આવનારા આર્યોએ આપ્યું છે. કુકણા લોકો પુરાતન કાળમાં કોકણ ના કોઈ ભાગમાંથી આવેલા હોવાથી કુકણા કેહવાયા. ભીલી બોલીમાં ધુન્ડી નો અર્થ છાપરું થઇ છે. અને બીજો અર્થ નીન્દવાની ખુરપી પણ થાય છે, પણ ખાસ કરીને ધોડિયા લોકો ધુન્ડી શબ્દ વાપરતા નથી. છતાં એ શબ્દ જો ધુન્ડી પરથી આવ્યો છે તો દ્રવિડ પ્રજા તેમણે “ડોડડા” કેહતા હોય ને વખત જતાં ડોડડા બદલાઈને ધોડિયા થયું હોય.ધોડિયા નું “ઢોડીયા” પણ બોલાઈ છે.

ધુન્ડી નો અર્થ છાપરું થઇ છે. અને બીજો અર્થ નીન્દવાની ખુરપી પણ થાય છે. ધોડિયા જાતિના લોકો એ ઓજારોનો વારંવાર ઉપયોગ કરતાં હોય તે પરથી આ પ્રજાનું નામ ધુન્ડીયા-ધોડિયા પડયું હશે ? આ વાતનું સમર્થન ઈ.સ. ૧૯૦૧નુ બોમ્બે પ્રેસિડેન્સી નું ગેઝેટિયર પણ કરે છે. કેટલાંક લોકો એમ પણ મને છે કે, ધૂર શબ્દ પરથી ધોડિયા પડયું હશે. ધૂર શબ્દનો અર્થ ધૂંસરી એવો પણ થાઇ છે. ખેતી સાથે જોડાયેલા લોકો મોટે ભાગે ધૂર સાથે કામ કરવું પડે એટલે એ પરથી ધોડિયા પડયું હોય એવી માન્યતા છે. ઈ.સ. પૂર્વે. ૧૫૦૦ ના વૈદિક યુગમાં – વૈદમાં દસ્યુ અને રામાયણ માં નૈષેધ જાતિઓનો ઉલ્લેખ આવે છે. તેમાંથી આ જાતિઓનો વંશ આગળ આવ્યો હશે એવું માનવામાં આવે છે. પદમપુરાણમાં એક ઉલ્લેખ પરથી એવું માલુમ પડે છે કે તે વખતે પણ પણ હિન્દુસ્તાન માં મૂળ રેહવાસીઓની જુદી જુદી જાતિઓ વસતી હતી, તે પરથી એવું અનુમાન થાય છે કે દક્ષીણ ગુજરાતના મૂળ રેહવાસીઓ દ્રવિડિયન હતા. દ્રવિડિયન જાતિનું પણ મિશ્રણ ધોડિયા જાતિમાં હોવું જોઈએ. તેની જુદી જુદી જાતિઓ બની હતી તેમાં ભીલ જાતિ મુખ્ય હતી. લિવિંગસ્ટન સર્વે તથા બોમ્બે યુનીવર્સીટી ના જર્નલમાં પણ જે વાક્યો છે તે આ વાતનું સમર્થન કરે છે.[૧]

ધોડિયા જાતિના લોકો વિશે અનેક દંતકથા ઓ પ્રચલિત છે.જે નીચે મુજબ છે.

૧. ધોડિયા લોકો ધોળકા અને ધંધુકાથી દક્ષીણ ગુજરાતમાં આવીને વસ્યા હતા એવો એક મત છે.

૨. ધોડિયા લોકો મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાંથી આવીને ગુજરાતના દક્ષીણ ભાગમાં આવીને વસ્યા છે એવો પણ એક મત છે.

3. પરંતુ ધોડિયા લોકો જંગલ વાળા પ્રદેશમાં પેહલેથી જ એટલેકે અનાદિકાળથી વસતા હતા. તેમજ તેઓ વધતા ઓછા પ્રમાણ માં ખેતીના વ્યવસાય સાથે સંકળયેલા હતા. ખેતીમાં હળ તથા બળદનો ઉપયોગ કરતાં હતા.

૪. ધોડિયા એટલે ધુન્દીમાં એટલે કે ઝુંપડામાં રેહનાર એવો પણ થાય છે.એવું માનવામાં આવે છે.

૫. એક દંતકથા પ્રમાણે ધોડિયા સમાજના મૂળ પુરુષો એટલેકે “ધના” અને “રુપા” બે સરદારો મહારાષ્ટ્રના ધુલિયા થી આવી વાપી તરફના વિસ્તારમાં આવીને વસ્યા અને નાયક કન્યાઓ જોડે લગ્ન કર્યા. તેમની પ્રજા થઇ તે ધોડિયા કેહવાયા.

ઉપરની દંતકથાઓ ધોડિયા લોકોની જાતિના સપૂર્ણ પુરાવા આપતી નથી કે સંપૂર્ણ પણે ચોક્કસ સાર્થક નથી કેમ કે તેમનો ઈતિહાસ બહારથી આવેલી પ્રજાઓ દ્વારા ભેળસેળ કરી આગળ લવાયો છે. આદિવાસી પ્રજા પોતાની લીપી વિકસાવી શકી ના હોવાને કારણે કોઈ ઈતિહાસિક પુરાવા કે પોથીઓ કે રચનો કંડારી શકી નથી. આદિવાસી પ્રજાઓ નો ઈતિહાસ મુખ્યત્વે લોક ગાથાઓ, લોકગીતો અને તેમની સમાંજીક પરંપરાઓ માં જોવા અને જાણવા મળે છે.[૨]

ધોડિયા મુખ્યત્વે ગુજરાતના સુરત અને વલસાડ જિલ્લામાં વહેંચાય છે. ભોડ, વડોદરા, અમદાવાદ અને ડાંગ જિલ્લામાં પણ ધોડિયાનું વિતરણ કરવામાં આવે છે. તેઓ એક અનુસૂચિત જનજાતિ છે. 2001 ની વસ્તી ગણતરી અનુસાર આ સમુદાયની વસ્તી 3,58,773 હતી અને 2001 ની વસ્તી ગણતરી અનુસાર 5,89,108 હતી જેમાંથી 2,96,115 પુરુષ અને 2,92,993 મહિલા છે. તેઓ પોતાને વચ્ચે ધોડિયા બોલીમાં બોલે છે. તેઓ ગુજરાતી જાણે છે અને લખવા માટે ગુજરાતી સ્ક્રીપ્ટનો ઉપયોગ કરે છે. ધોડિયા સ્ત્રીને અન્યથી અલગ પાડવા માટેની મુખ્ય વિશિષ્ટતા એ છે કે તેમના ચરકને દોરવાની શૈલી છે.

ખોરાક

ધોડિયા માંસાહારી છે. તેમના માટે મુખ્ય ખોરાક ચોખા, ઘઉં અને જાવર છે. ચોખા તેમના આહારનો મુખ્ય ભાગ બનાવે છે. તુર, ઉરદ, મૂંગ, વોલ અને ચણાની દાળ તેના આહારનો ભાગ બનાવે છે. શાકભાજીનું સેવન તેમના આહારની ટેવમાં વધારો થયો છે અને તેઓ ઉપલબ્ધ મોસમી ફળ ખાય છે. તેઓ દરરોજ દૂધ અને દૂધની બનાવટની ચા લે છે. ખાદ્ય પદાર્થોની તૈયારી માટે ગ્રાઉન્ડ અખરોટનું તેલ વપરાય છે. તેમના પુરુષ સભ્યો આલ્કોહોલિક પીણાં લે છે. તેઓ બીડી અને છૂટક તમાકુ પીવે છે. સિગરેટ શિક્ષિત અને સારી વ્યક્તિઓ દ્વારા પીવામાં આવે છે. લાપ્સી એક મીઠી તૈયારી છે જે ઉત્સવના પ્રસંગોમાં ક્યારેક રાંધવામાં આવે છે.

ધોડિયા જ્ઞાતિનો મુખ્ય રસપ્રદ વાનગીઓ

ભૂતકાળમાં ધોડિયા જ્ઞાતિના ખાન-પાન કૈક નિરાલા હતા. બંટી, કોદરા, હાવાનું ધાઠું (રાબ), કુડા, કદરુ, વગેરે ડાંગરના ચોખાનું પેજવું (ભડકું), આખા ડાંગરના કુસકાના રોટલા જે કુલડી પર બનતા. ઉપરથી વાલનું બાફાનું અને અજીલાની ચટણી પેજવામાં ભેળવીને ખાતા. શાકભાજીમાં પવાડીયાની ભાજી, કોળાની ભાજી, કુરાળાની ભાજી, તાંડળજાની ભાજી, લેમ્ભડી ભાજી, ખાટી ભાજી, ચણાની ભાજી, ઝરકીલી ભાજી, મેથીની ભાજી વગેરે મુખ્ય ભાજી રેહતી. ગલકા, કંટોલા (કંકોડા), ટંડળે (ઘીલોડી), કોળું, દુધી, કરેલા, સૂરણ, કંદ, આળીમ (મશરૂમ ), આળઉ (અલખેડું), કાનખેડી વગેરેનો શાકભાજી માં ઉપયોગ થતો.કઠોળ માં વાલ, તુવર, ચણા, અડદ વગેરે રેહતા. ચોમાસામાં પેહલા વરસાદ થી ઉગેલા વાલના વાલઘોડા/ ઘોલ્લા ના શાકનો ઉપયોગ થતો હતો.

વાનગીમાં કોળામાંથી બનાવેલા હાવેલા (પનેલા), ચણાના લોટ માંથી બનાવેલા ઢેખાળા, માલપુડા, દડિયા, ચણાની ભાજીમાંથી બનાવેલા મુઠીયા, આળું અને તેરમાંથી બનાવેલા પતેડીયા, જુવારની ઘૂઘરી અને તુવર અને ચોખાના જાડા ગોળ રોટલાને બાફીને બનાવેલી માંમણે જેવી વાનગીઓ મુખ્ય રેહતી, તો વાળી તુવર ભરડતા જે લોટ નીકળે એમાં મસાલો ભેળવી પાણી થી મસળી લુંન્દો બનાવી ખાખરાના પાનમાં પોહ્ળી ગોળ જાડી રોટલી જેવી બનાવી અંગારા પર બનાવેલા પાનગા, તો વાલની પાપડી, મરચાં, રીંગણ, કંદ, સક્કારીયા વગેરેને કલર નામની વનસ્પતિના ફૂલ અને પાંદળા ભેળવી માટલા માં મૂકી માટલાને ઊંધું મૂકી અંગારા સળગાવી બાફી દેતા બનેલું ઉબાડિયું ધ્યાન ખેંચે એવું છે. જુવારનો પોંક અને ચણાનો ઓળો પણ એટલોજ પ્રિય છે.આજે પણ આ બધી વાનગીઓ બને છે.

કુળ અને વંશ વેલો

ધોડિયા સમાજ મોટે ભાગે કુળમાં વેહચાયેલો છે. સમાજમાં કોઈ ઊંચ કે નીચ નથી. કુળ ગમે તેવું ઊંચું હોય કે નીચું હોય પણ જ્ઞાતિના હિસાબે બધાજ સરખાં જ છે. એ નિયમ પેહલાનો હતો અને આજે પણ તેજ નિયમ ચાલે છે. કુળ એટલે અમુક માણસ અમુક કુળમાં માને છે. એવી ઓળખાણની નિશાની છે. બધાંજ એકજ કુળના હોય તો લગ્ન કેવી રીતે થઇ શકે ? એટલે કુળ વ્યવસ્થા શરુ થઇ. જે નીચે પ્રમાણે છે.

કલમી મેહતા તાબા ધડિયા ગરાસિયા બાવન ગરાસિયા મોટા નાગર
કચલીયાતુલસી ગરાસિયા બોરડી ગરાસીયા મોટા ભોયા
કેદારીયા દેવલા ધારિયા બહાદુર ગરાસિયા રજપૂત નાગર ગરાસિયા
કોકણીયા દળવી બ્રાહ્મણ ગરાસિયા રજપૂત ગરાસિયા
કોકણીયા નાના દાભડીયા બ્રાહ્મણ કાચ ગરાસિયા રાવત
કોકણીયા પાંચ મુળિયા દેસાઈ બ્રાહ્મણ બોડકી રાઠોડ
કોલા ધારી ગરાસિયા બરસી ગરાસિયા રજપૂત
કુંભારિયા ધાઈ તલવારી ગરાસિયા બાલ ગરાસિયા રણમોલિયા
કુંભાર નાગલીયા ધોડિયા ગરાસિયા બાવીસા રૂપાસરી
કાળા દેસાઈ ધાલ તલવાર ગરાસિયા બલવીગ વેરાગી ગરાસિયા
કાપલી ગરાસીયા ધડીકિયા બામણીયા વેલ ગરાસિયા
કણબી ધગડીયા બ્રાહ્મણ કાચ વાઢ ગરાસિયા
કાચ ગરાસિયા ધારિયા બગલેણીયા વાંસહોડ ગરાસિયા
કાંગોઈ ગરાસિયા ધનારુપા બારનાથ વહીચા
ખરપેડીયા ધન પાતળિયા બ્રાહ્મણ વાંકડા
ખારવી ધનુધર્મી બહાદુર કંપની ગરાસિયા વાણીયા
ખરવા ધનુધર્મી નાના નાયક ભ્રહ્માણીયા જોષી વાઘીયા
ગરાસિયા ધન ભાટડા ભ્રહ્માણીયા સાવક વાંસફોડિયા
ગરાસિયા કોકણ ધારિયા બ્રાહ્મણ ભ્રહ્માણીયા મોટા વૈરાગી
ગરાસિયા કૂકડી નાગલા ગરાસિયા ભ્રહ્માણીયા શાહી વાડવા
ગરાસિયા ચીલમી નાગર ગરાસિયા ભેંસ ગરાસિયા વણઝારીયા ટોળી
ગરાસીયા ચૌધરી નાના દેસાઈભટ્ટ ગરાસિયા વેલ બેડીયા
ગરાસિયા ચીકા નવેરીયા દેસાઈભરુલીયા વાઢા
ગરવી ગરાસિયા નાના નવેરીયા દેસાઈભોઈ વાસી ગોમ
ગાયકવાડી નાયકભાટડા વળવી ગરાસિયા
ગવરી નાના નાયકભોયા વાવાડી ગરાસિયા
ગોરા દેસાઈ નાયક સરભોઈ મેહતા વાડાવડો
ગરાસિયા કોક નાગરીયાભોય નાના વાઘમરિયા
ગરવી નીતલ તાળિયા ભોય શિકારી વાવડી ગરાસિયા
ગમલા ગોમતા નાના ગરાસિયા ભોય ચોપા વણઝારિયા
ગરાસિયા કાટાનાગલીયા કુંભાર ભોય રાલીયા લસણીયા યુરીયા
ચેવલી ગરાસિયા નાના વણઝારીયા ભાટડા મોટા લીમ ગરાસિયા
ચૌહાણ નાગર ભાટડા રૂપા શુદ્ધ ગરાસિયા
ચોબડીયા નાના નવેરીયા ભાટકીયા ભાટ શાહી ગરાસિયા
ચહારા નાના મોઈ મોટા ગરાસિયા સાધુ ગરાસિયા
ચીભડ નીતા તાળિયા મોટા બહાદુર ગરાસિયા સમા ગરાસિયા
છાહ ધોડિયા નીવડીયા માદન ગરાસિયા શિકારી ગરાસિયા
છાહ ધોડા મોટા નાયકા મૂળ ગરાસિયા સુરજી ગરાસિયા
છાયા નાના કોકાણીયા મેહતા સિંધુસિયા
જોષી નાના રાજપૂત મોટા આકાશ શિકારી ભોયા
જોષી મહેતા પટારા મોટા થાકુરીયા શાન
જ્યોતીષા બ્રાહ્મણ પારાઈ ધારિયા મોટા કોલા શુદ્ધ
જોષી બ્રાહ્મણ પનહોરીયા મોટા ભૂરલિયા સાવક બ્રાહ્મણ
ટીધુડીયા પાતળિયા મોટા વણઝારિયા સાહી બ્રાહ્મણીયા
ટોળી વણઝરીયા પાંચ બળિયા મોટા બામણીયા સાવક સાકુળિયા
ટુકડી ગરાસિયા પરઈ મોડિયા મોટા ડોઇફોઈડા સરનાયક વોન્કડાં
ટાલીયા ભોઈ પ્રધાન મોટા ટાઈફોઈડા સાંકડ તોડીયા
ઠાકુરીયા પાંચ મુળિયા મોટા બગલાણીયા સરનાયક
ઠાકોર પાલખી ભોઇઆ મરાવાડ સાદુ
ઠાક્લર ધનપતાલીયા પાઇખી શિકારી ભોઈ મુઝારીયા શાહુત
ઠુપીયા ગરાસિયા પાંચ લવિયા મુઝારીયા મહેતા શિકારી
ઠાકોર ગરાસિયા પરાઈ ધારિયા મુળવાસી શાહ
ડેલકર પોડણીયા મોટા રાજપૂત સોનેરી ગરાસિયા
ડાંડુડીયા પારસી મેહતા માખણકાજ સુવાંગિયા
ડોઇ ફોડા પંડ્યા મોટા દેસાઈ હરક્યાણી
ડાંગ બળિયા પ્રભુ મોટા રણમોલિયાહાથી બળિયા
ઢળકિયા પંચાલ મોટા અટારા હતાકડા
તણસીયા પટેલ મોટા નાયક હાથી
અંજારિયા
આહિયા
અટળીયા ગરાસિયા
ઉગતા સૂર્ય
ઉગતા સૂર્ય ગરાસિયા
ઉગતા સૂર્ય મોટા ગરાસિયા
ધોડિયા જ્ઞાતિના કુળ

ધોડિયા સમુદાયમાં વિસ્તૃત અને વિભક્ત પરિવારો સામાન્ય છે. સમુદાયમાં અવગણના અને મજાક સંબંધો છે. પુત્રવધૂ તેના સસરા અને પતિના મોટા ભાઈ સામે પડદો રાખે છે. મશ્કરી અને ટીખળ સંબંધ પતિના નાના ભાઈ અને મોટા ભાઈની પત્ની, મોટી બહેનના પતિ અને પત્નીની નાની બહેનો વચ્ચે જાળવવામાં આવે છે. સંપત્તિ ફક્ત પુરુષ વાક્યમાં વારસામાં મળે છે અને તે સમાન રીતે પુત્રોમાં વહેંચાયેલી છે. જો કોઈ પુત્રો ન હોય તો, સંપત્તિ પુત્રીઓને આપવામાં આવે છે. મોટો દીકરો પિતાને અનુસરે છે. આંતરપરિવાર સંબંધો મળી આવે છે. સામાજિક અને આર્થિક અને રાજકીય-ધાર્મિક બાબતો પર એક બીજા સાથે સહકાર આપે છે.

જન્મ વિધિ

સમાજમાં સ્ત્રીને ગર્ભ રહે ત્યારથી સ્ત્રીના જીવનમાં આનંદના દિવસોની શરુ થાય છે. તેમના ચેહરા પર નિરાશા કે દુઃખ ની નિશાની દેખાતી નથી. છોકરો જન્મે કે છોકરી તેનો આનંદ અનુભવે છે. સમાજમાં લગ્ન વખતે કઈ આપવું પડતું નથી, તેથી સમાજમાં સ્ત્રીનો જન્મ ભાર રૂપ નથી, પરંતુ આનંદમય હોય છે. સમાજમાં સ્ત્રી ગર્ભવતી થાય ત્યાંથી છેલ્લા મહિના સુધી ખુબજ કામ કરે છે. લાકડાનો ભરો ઉચકીને લાવે, ઘાસનો ભરો લાવે, ઘંટીમાં અનાજ દળે, ડાંગર ખાંડે એવા ભારે કામો કરે છે. ભારે કામ કરવાથી શરીર કશાય છે એટલે સ્ત્રીની પ્રસૃતિ તકલીફ વગર સેહલાઈ થી થાય છે, એમ માનવામાં આવતું. જન્મની સંપૂર્ણ વિધિ દાયણ કરે છે. દાયણ થકી માતા તથા બાળકને નવું જીવન મળે છે. દાયણ એક અનુભવી સ્ત્રી હોય છે. જેને સ્ત્રીના પેટમાં કેટલા માસનું બાળક છે, બાળક જીવતું છે કે મરેલું, ગર્ભમાં બાળક સીધું છે કે ઉલટું તે સ્ત્રીની સ્થિતિ પરથી જાણી લે છે.

બાળકના જન્મ પછી તમામ સેવા દાયણ પોતે કરતી. પ્રસૃતિ વેળા મેલી પડે તે ઢોરના કોઢમાં ખાડો ખોદીને દાટતી. નાળને સુરત થી બાંધે છે. દાયણ બાળક અને માતાને ગરમ પાણી થી નવડાવી બાળકને માતાને સોપતી દૂધ પીવડાવવા. પ્રસૃતિ પછી પાંચ દિવસ સુધી બાળક અને માતાની બધીજ જવાબદારી દાયણ સંભાળતી. પ્રસૃતિ પછી શું ખાવું અને શું ન ખાવું એ પણ દાયણ સમજાવતી. પાંચ દિવસ સુધી ફક્ત ભાતનું ઓસામાન પીવડાવતી. પાંચ દિવસ પછી સવા મહિના સુધી નાગલીના કે જુવારના લોટનું ઘાટું અને ચોખાના લોટના રોટલા વગેરે સાદો ખોરાક ખવડાવતી. આ ખોરાક બાળકને પચવામાં હલકો હોય. સવા મહિના સુધી સ્ત્રી પરેજી તેમજ આભાદ્છેડ પાળતી.

પાંચમાં દિવસે પાંચુરો પુંજે છે. બાળકનું નામ કરણ પાંચુરાના દિવસે થાય છે. આદિવાસી લોકો દારૂને પવિત્ર માને છે. તેથી પાંચુરાના દિવસે દાયણ દારૂથી હાથ ધોઈને પવિત્ર થાય છે. આ દિવસે કુટુંબો અને ફળિયાના માણસો ભેગા થાય છે. દાયણ પાંચુરાની વિધિ શરુ કરે છે. ઘરના ઉખડા પાસે કુળદેવીના નામની ચોખાની પુજ મુકે છે. દાયણ માતા અને બાળકની સુખ શાંતિ માટે કુળદેવીની પૂજા અને અર્ચના કરે છે. પૂજા વખતે બાળકને નવા કપડાં પેહરાવે છે. દાયણ બાળકને હાથમાં લઈને સુખ શાંતિ અને સમૃદ્ધિ ના શબ્દો કહે છે. અહીં દાયણ નો બાળક પ્રત્યેનો પ્રેમભાવ પ્રકટ થાય છે. આધુનિક સમય માં બાળકનું નામ તેની ફોઈ પાડે છે. તે સમયમાં જો બાળક સોમવારે જન્મે તો સોમલો, મંગલ વારે જન્મે તો મંગલો, બુધવારે જન્મે તો ભુધીયો, શુક્રવારે જન્મે તો સુકરીયો, શનિવારે જન્મે તો શનીયો તથા રવિવારે જન્મે તો રવિયો. આ રીતે નામ પડતા હતા. ઘણી વાર બાળકના જન્મે તો દેવી દેવતાઓ ની બધા રાખવાનો રીવાજ પણ ધોડિયા જ્ઞાતિમાં જોવા મળે છે.

લગ્ન

ધોડિયા જ્ઞાતિમાં પાંચ પ્રકારે લગ્ન થાય છે.

  • વ્યવહાર થી થતાં લગ્ન (અરેંજડ લગ્ન)
  • ખંધડીયા લગ્ન ( ઘર જમાઈ )
  • વિધવા કે વિધુર ( પુનર લગ્ન કે નાતરું )
  • દિયરવટુ
  • બહુપત્નીત્વનો રીવાજ હોય તો પેહલી પત્ની ની મંજુરીથી બીજી પત્ની સાથે લગ્ન થઇ શકે છે. (સમય જતા આ રીવાજ હવે જોવા મળતો નથી )
  • ( ૧ ) વ્યવહારથી થતા લગ્ન : – આ લગ્ન સામાજીક અને કાયદેસરની પ્રથાથી થાય છે.જે વડીલ લોકો ગોઠવે છે. લગ્ન ગોઠવવામાં આગળ પડતો માણસ હોય તેને વહટાળીયો કેહવામાં આવે છે.આજે પણ આ પ્રથા ચાલુ છે. વહટાળીયો બંને બાજુથી વાતો કરે પછી છોકર/ છોકરીઓને જોવા જાય છે. વડીલ લોકો બેઠક રાખીને લગ્ન ગોઠવતા. જેને સામાજીક વ્યવહાર થી થતા લગ્ન કહે છે.
  • ( ૨ ) ખંધાડીયા લગ્ન : – આ પ્રથા આધુનિક જમાના માં મહદઅંશે ઓછી જોવા મળે છે. પણ પેહલાના જમાના માં ચાલતી હતી. ખંધાડીયો એટલે ઘરજમાઈ. ઘરમાં ફક્ત દીકરીજ હોય, ઘરની સ્થિતિ સારી હોય, ખેતીમાં કામ કરવા માટે માણસ ની તંગી હોય ત્યારે દીકરીને પરણાવીને પતિને ઘરે લઇ આવે છે. તેને ખંધાડીયા લગ્ન કહે છે.
  • ( 3 ) વિધવા કે વિધુર : – જયારે કોઈ સ્ત્રી મરણ પામે યા કોઈ સ્ત્રીનો પુરુષ મરણ પામે, નાની ઉમરમાં લગ્ન થયા ના હોય અને મોટી ઉમર થાય ત્યારે અગરતો છુટા છેડા લીધેલા હોય ત્યારે ફક્ત લગ્નની વિધિ કરીને સ્ત્રીને ઘરે લાવવામાં આવે છે, તેને નાતરું કેહવામાં આવે છે. (રીત) : છોકરો / છોકરી ચાંદલો કરી ફૂલહાર પેહરાવે છે. વરરાજા છોકરીને કાળી ગાઠી (મંગલ સૂત્ર ) બાંધે છે. આ વિધિ પછી પંચ માં છેડા બંધાય છે. કન્યા ના સંબંધીયો કન્યાને ભેટ સોગાદો આપે છે અને કન્યાને વિદાય કરે છે.
  • ( ૪ ) દિયરવટુ : – જયારે કોઈ સ્ત્રીનો વર મારી જાય ત્યારે સ્ત્રી દિયર સાથે લગ્ન કરે છે, જેને દિયરવટુ કેહવાય છે. દિયરવટુમાં માં-બાપ અને દિયરની સંમતિ થી લગ્ન કરી શકે છે.
  • ( ૫ ) બહુપત્નીત્વનો રીવાજ : – ધોડિયા સમાજમાં બહુ પત્નીત્વ નો રીવાજ છે. એક પત્ની ની હાજરીમાં બીજી પત્ની જોડે લગ્ન કરી શકે છે. પેહલી સ્ત્રી કે માં-બાપ અને સમાજની સંમતિથી લગ્ન કરી શકે છે.

લગ્નમાં ગોત્રનું મહત્વ : ધોડિયા સમાજની ખાસિયત છે કે એકજ ગોત્રમાં લગ્ન સંબંધ જોડવામાં નથી આવતા. કારણકે એવું માનવામાં આવે છે કે એકજ લોહીનો સંબંધ. એકજ કુલમાંથી વંશવેલો વધીને કુળ મોટું થયું એમ માનવામાં આવે છે. એકજ કુળના છોકરા છોકરી પરસ્પર ભાઈ બહેન ગણવામાં આવે છે. લગ્ન સંબંધ જોડવા પેહલા છોકરા / છોકરીનું કુળ જાણ્યા પછીજ વાત આગળ ચલાવવામાં આવે.

ધોડિયા જ્ઞાતિ માં લગ્ન માટે છોકરા છોકરી ને ગોત્ર પ્રમાણે શોધવામાં આવે છે. ત્યાર બાદ બેઠક ગોઠવવામાં આવે જેમાં બેય પક્ષો સામસામે બેસીને લગ્ન નક્કી કરે છે. લગ્ન ની વિધિઓ કૈક આ રીતે હોય છે. ધોડિયા સમાજ માં દહેજ પ્રથા બીજા સમાજ કરતાં ઉંધી હોય છે. જેમાં છોકરા પક્ષ છોકરીના ઘરના ને દહેજ આપે છે. જેમાં પેહલાના જમાના માં ૨૧ રૂપિયા જેટલી રકમ અપાતી હતી. એટલે છોકરી ઘરમાં બોજા રૂપ ગણાતી નથી. આ દહેજ પ્રથા એક કરાર તરીકે જેવી હોય છે, જેમાં આ વિધિ પત્યા પછી છોકરો કે છોકરી લગ્ન માટે ના પાડી શકે નહિ. જો કોઈ પક્ષ ફરે તો તેને પંચ તરફ થી દંડ અથવા સજા પણ થાય છે. ત્યાર બાદ ચાંદલા વિધિ હોય છે જેમાં છોકરા પક્ષ ના લોકો છોકરીના ઘરે ચાંદલો કરવા જાય છે અને છોકરી પક્ષના છોકરાના ઘરે. વર અને કન્યા જઈ શકતા નથી. એ દિવસથી છેક લગ્ન ના દિવસ સુધી કન્યા અને વર એક બીજાને મળી શકે નહિ. પરંતુ સમય સાથે તાલ મેળવતા હવે એમાં થોડી છૂટ છાટો મળી છે. ત્યાર બાદ લગ્ન લેવાઈ જેમાં લગ્ન ત્રણ કે ચાર દિવસ ચાલે છે. જેમ ૧ ) પીઠી નો દિવસ, ૨ ) માંડવા મુહુર્ત , 3 ) જાન લઇ જવી , ૪ ) મોટું આણું અને ૫ ) નાનું આણું આવે છે. એક સમય માં ધોડિયા સમાજમાં છોકરી જાન લઈને આવતી હતી અને પરણી ને પોતાના ઘરે ફરી જતી રહે, ત્યાર બાદ છોકરો લેવા આવે જેને મોટું આણું કહે છે. પછી વર્ષે એક વખત છોકરી ઘરે જાય અને ત્યારે ફરી વર છોકરીને લેવા આવે જેને નાનું આણું કહે છે.

મૃત્યુ વિધિ

ધોડિયા લોકોમાં જયારે માણસના જીવનનો અંતિમ સમય નજીક આવી ગયા હોવાનો ખયાલ આવે કે અવસાન થઇ ચુક્યું હોય એ ઘડીએ ખાટલા પર કે પલંગ પર સુતી વ્યક્તિને નીચે ઉતારીને જમીન પર સાદડી કે ચાદર પાથરી માથું ઇશાન કે ઉત્તર દિશામાં રહે એ રીતે સુવડાવવામાં આવે છે. વ્યક્તિના અવસાન બાદ સગા સંબંધીઓ ને જાણ કરવામાં આવે છે. ખબર કરવી એને હનાન કેહવામાં આવે છે. પેહલાના જમાના માં તુર વગાડવામાં આવતું. તુરીયો અમુક પ્રકારની અલગ ધૂન વગાડે એટલે ખબર પડે કે મૈયત છે. મૈયત ઘરમાંથી બહાર કાઢે ત્યારે પણ અલગ ધૂન હોય અને મૈયત સ્મસાન લઇ જાય ત્યારે પણ અલગ ધૂન વગાડે છે. ખબર કાઢવા જનાર વ્યક્તિ ખંભે ટુવાલ કે માથે કાપડનો ટુકડો ઓઢે છે. જો માણસનું મૃત્યુ બપોર પછી થયું હોય તો મરણ ની વિધિ બીજા દિવસે થાય છે, કેમકે જુના જમાના માં સમશાન માં લાઈટ ની વ્યવસ્થા ના હતી અને શબને બળતા બે થી ત્રણ કલાક લાગે છે.

મૈયત માટેનો સમાન : – ( ૧ ) કાળુ માટલું ( ૨ ) હાંખોડ ( 3 ) ઠોબલી ( ૪ ) કોડિયા ( ૫ ) કાળી માટલી ( ૬ ) અબીલ, ગુલાલ, સિંદુર, અગરબત્તી, ફૂલ, લીલી હળદર, સુતરનો દડો, ચાર નાળીયેર, કફન, રૂ, માચીસ, ભાત, વાલ વગેરે. મૃત્યુ વિધિમાં અનેક રસમો હોય છે જેમકે, મારનાર ના ઘરની અંદર ની વિધિ, મારનાર ના બહાર થતી વિધિ, ઠાઠડી બનાવવાની રીત, પળો બનાવવો, ઠાઠડી ઉપર મારનાર ને સુવડાવવાની રીત, ઠાઠડી લઇ જતા પેહલાની રીત, ખંધીયા તૈયાર કરવા, છાપરી ( વિસામો ), સ્મસાન ની રીત, વાસ મુકવો વગેરે. નાનું બાળક મારી જાય તો તેની રીત અલગ છે, કસુવાવડ સ્ત્રીની મૃત્યુ વિધિ અલગ હોય છે, પંચક માં મૃત્યુ થઇ તો તેની વિધિ અલગ, દિયાડો ઉત્તર ક્રિયા ( બારમું ), છાપરીએ વિધિ, નદી કિનારે ની વિધિ ( અસ્થી વિસર્જન ), ખાતરની વિધિ અને ઉજવણા ( પરજન ) જે અમુક વર્ષે કરવામાં આવે છે જેમાં સમાજ માં મૃત્ય પામેલા બધા પિતૃઓ, માતા અને બાળકો તથા જેઓ ની મૃત્યુ વિધિ રહી ગઈ હોય અથવા સગા સંબંધી ના હોય ને વિધિ રહી ગય હોય એ બધા માટે કરવામાં આવે છે.

વ્યવસાય

ધોડિયા પરંપરાગત રીતે વ્યાવશાયે ખેડૂતો કે ખેત મજુરો હતા. એ પેહલા તેમનું જીવન શિકાર પર નભતું હતું. જે પ્રકારનો વિસ્તાર હોય એ પ્રમાણે તેમનો વ્યવસાય વિકસે છે. આદિવાસી જ્ઞાતિઓ માં ધોડિયા એક એવી જ્ઞાતિ છે જે નવા બદલાવો અને નવી સમજણ તથા નવી સંસ્કૃતિ ની સારી બાબતો સરળતાથી અને સહજતા થી અપનાવી લે છે. જેથી સમાજમાં ભણતરનું પ્રમાણ ઊંચું છે. આજે સમાજના લોકો બધાજ ક્ષેત્રો માં આગળ છે. સરકારી નોકરીઓ, પ્રાઇવેટ નોકરીઓ તથા વ્યવસાય માં આગળ વધે છે. આમ છતાં પોતાના મુખ્ય વ્યવસાય ને ભૂલ્યા નથી.

કુળદેવી / કુળદેવતા

સમાજના દેવ તરીકે હાંવરાદેવ, બરમદેવ, બગલા દેવ, બ્રાહ્મણીયો દેવ અને દેવીઓ માં ચોહંટ જોગણી દેવી, ભોવાની માતા, મીરી માતા, માવલી માતા, દેવલી માડી, અને કંસેરી દેવીને મને છે. ધોડિયા સમાજ બહુ કુળો માં વેહચાયેલું છે જેથી દરેક કુળ પોતાની રીતે અલગ કુળ દેવી અને કુળ દેવતા છે. જેમાં મુખ્યત્વે કુળદેવી તરીકે ચોહંટ જોગણી દેવી, ભોવાની માતા, મીરી માતા, માવલી માતા, દેવલી માડી, અને કંસેરી દેવીને પૂજાય છે અને દેવતા તરીકે બરમદેવ, હાવરા દેવ, બામણીયા ભૂત, અને બગલાભૂત પુંજાય છે.

તેહવારો

ધોડિયા આમ તો દરેક ધર્મ અને અપનાવવામાં આગળ રહ્યો છે જેથી દરેક તેહવારો તેમની આજુબાજુ રહેલા સમજો જોડે ભળીને મનાવે છે. પરંતુ તે પ્રકૃતિ પૂજકો છે આથી તેમના પોતાના પણ ઘણા તેહવારો, મેળા અને માન્યતા છે. તેહવારો જેવા કે, હોળી, ધૂળેટી, અખાત્રીજ, દિવાસો, છેલ્યા ( mudfestival ) વાઘબારસ, દિવાળી અને અલગ અલગ દેવો અને દેવીઓ ના મેળા.

REFERENCE :

  • [૧] પુસ્તક / ધોડિયા જતી (બોલી, સાહિત્ય, સંસ્કૃતિ), ૧ લી ઓક્ટોબર ૨૦૦૦, મંછારામ એન. પટેલ, published by ” INSTITUTE FOR TRIBLE AND RURAL DEVELOPMENT AND RESEARCH & PRAFULL – BHAKTI CENTRE FOR POST GRADUATE STUDIES AND RESEARCH. ARTS AND COMMERCE COLLEGE VYARA- 394 650
  • [2] પુસ્ધોતક / ધોડિયા સમાજના રીત રીવાજ અને રૂઢી પરંપરાઓ, ૨૦૧૭, ડૉ. એ. જી. પટેલ, published by : TRAIBLE RESEARCH CENTRE OF INDIA, AHWA-DANG, ADIVASHI SAHITYA PRAKASHAN, SURAT, EKLAVYA PUBLICATION, AHWA – 394 710
  • ધોડિયા સમાજ ખાન-પાન, મોહનભાઈ બી. પટેલ, એસોસીએટ પ્રોફેસર, શ્રીમતી સી. સી. મહિલા આર્ટસ એન્ડ શેઠ સી. એન. કોમર્સ કોલેજ, વિસનગર (ઉત્તર ગુજરાત).

Choose your Reaction!
Leave a Comment