Halpati
રેહથાણ
સુરત, વલસાડ, વાપી, વ્યારા, તાપી, નવસારી,ધરમપુર, પારડી, ખેરગામ, વડોદરા,અમદાવાદ.
ભાષા/બોલી
હળપતિ સમાજની પોતાની કોઈ ભાષા કે બોલી નથી. તેઓ સામાન્ય રીતે જેતે પ્રદેશમાં વસવાટ કરતા હોય ત્યાની બોલી બોલે છે.
કુળદેવી/કુળદેવતા
કુળદેવી : તુળજા ભવાની કુળદેવતા : ખત્રીબાપા / બરમદેવ
પહેરવેશ
અહીં લાખો
ઈતિહાસ અને દંતકથાઓ
જુના વખતમાં એમના દુશ્મને એમને રણમેદાનમાં લડવાનો પડકાર ફેંક્યો હતો. હારવાની બીક લાગવાથી એમના નાયકે લડવાની ના પાડી આ ઉપરથી સામેવાળાએ કહ્યું કે તમે દુર્બળ રહ્યા એટલે અમારી સાથે કેવી રીતે લડી શકો ? ત્યારથી તેઓ દુબળા તરીકે ઓળખવા લાગ્યા.
દુબળાના મૂળ વતનમાં એક વખત વરસાદની અછતને લીધે દુકાળ પડ્યો હતો આ દુકાળમાંથી બચવા તેમના પૂર્વજો આ પ્રદેશ તરફ હિજરત કરી આવ્યા, હિજરતે નીકળેલા આ દુબળાઓનું એક ટોળું એક દિવસ એક ગામ માં આવી પહોચ્યું એમને ઘણા વખતથી અન્ન જળ મળ્યું ના હોતું. તેથી તેઓ ઘણા સુકાઈ ગયા હતા અને નબળા દેખાતા હતા. ગામ લોકોએ પૂછપરછ કરી કે આ લોકો કોણ છે ? એટલે કોઈક એ કહ્યું કે કેટલાક દુબળાઓ દુકાળીયા પ્રદેશમાંથી આવ્યા છે. તે દિવસથી તેઓ આ પ્રદેશમાં રહે છે. શરીર થી દુર્બળ બાંધાના દેખાવના કારણે દુબળા કેહવયા.
કેટલાક દુબળાઓ તળાવીયા રાઠોડ તરીકે કેમ ઓળખાય છે ? જયારે પરશુરામે પૃથ્વી નક્ષત્રીય કરવા માંડી ત્યારે રાઠોડ ક્ષત્રીયની બનેલી આ જાતી બચવા એક યુક્તિ લગાવી. એક દિવસ રાઠોડ લોકો તેમના નાયક જોડે તળાવના કિનારે બેઠા હતા, એવામાં પરશુરામ એમની ફરશી લઇ ત્યાં આવી પહોચ્યા આ જોઈ લોકો સમજી ગયા હવે તેઓ નહિ બચે. પરશુરામે જયારે પૂછ્યું તમે કોણ છો ? ત્યારે એમના નાયકે જવાબ આપ્યો કે અમે રાઠોડ નથી પણ તળાવીયા છીએ અને આ તળાવને કાંઠે રહીએ છીએ. ત્યારથી તેઓ તળાવીયા ઉર્ફે તળાવીયા હળપતિ કેહવાયા. આ વાર્તા એ હેતુ સાધે છે કે એક તો એ દુબળાઓને રાજપૂત ઠરાવે છે અને બીજું તળાવીયા દુબળા તેમની જાતિમાં સૌથી ઊંચા છે, એમ દર્શાવે છે.
ધોડિયા, નાયક અને નાયકડા, ગામીત, ચૌધરી, કોળી, કુંકણા અને ધણકામની દુબળા કોમ મોટે ભાગે સુરત-વલસાડ જીલ્લામાં વશે છે. એમની ગરીબાઈ ને કારણે લોકો એમને દુબળા કેહતા હતા. મહાત્મા ગાંધીજીએ આ બધી કોમોને રાનીપરજ (જંગલી પ્રજા) તરીકે ઓળખાવી છે.
દુબળાઓને ઉજળીયાત કોમોને ત્યાં આજીવન ચાકરો રાખવાની પ્રથા તેમજ બીજા ઘણા કારણો છે. જેને લઈને મજબુરીમાં જોતરાયેલા દુબળા હાળી તરીકે કામ કરે છે. આ હાળી પ્રથામાંથી જયારે ગાંધીજી તેમજ બીજા ઘણા કાર્યકર્તાઓ એ જયારે મુક્તિ અપાવી. ત્યારે ગાંધીજીએ કહ્યું ધરતીને ફોડીને ધાન પકવે ને કોઈપણ ઉજળીયાત કોમ કરતાં આ સબળા એવા લોકોને દુબળા તે કેમ કેહવાય ! એટલે મહાત્માએ ઘણી વિચારણાના અંતે આ વર્ગ હળ ચલાવનારો હોવાથી એ હળપતિ નામ વધુ યોગ્ય છે એમ લાગ્યું. એટલે આ ઈતિહાસીક દિવસથી દુબળો શબ્દ માટીને હળપતિ થયો. ( દુબળો શબ્દ ૧૯૯૫ માં ભારતની વસ્તી ગણતરી માંથી હટાવાયો છે.)
સંસ્કૃતિ
દુબળાજાતિ જેઓ હવે હળપતિ તરીકે ઓળખાય છે, જે અનુસુચિત જનજાતિ ( S.T. ) ગણાય છે. તેઓ દક્ષીણ ગુજરાતમાં વસે છે. એમની વસ્તી બધે એક સરખી નથી. સુરત જીલ્લાના તમામ તાલુકાઓ જેવા કે નવસારી, વલસાડ, ઉમરગામ, ધરમપુર, પારડી, વાંસદા, ખેરગામ, વડોદરા, અમદાવાદ અને થાણા જેવા તાલુકા-જીલ્લા માં તેમની વસ્તી છે. જ્યાં કેવળ હળપતિ વસતા હોય એવો એકેય પ્રદેશ નથી, કે જેથી તેને તેમનું મૂળ વતન કહી શકાય. સામાન્ય રીતે તેઓ ભૂમિહીન ખેતમજુરો તરીકે કામ કરે છે. દુરના ભૂતકાળમાં તેમની પાસે જમીનો હતી તેમ કહી શકાય. પણ અત્યારે એક યા બીજા કારણો સર ગુમાવી બેઠા છે. અલબત્ત ગામડાઓમાં હળપતિઓ અલગ અલગ ફળીયામાં રહે છે. તેમના સામાજિક રીત રિવાજોનું પાલન કરવા માટે તેમના પોતાના પંચો હોય છે. મહાત્મા ગાંધીજી ૧૯૨૩માં હળપતિઓને સામાજિક ઓળખ આપી જેથી કરીને તેમની આર્થીક સ્થિતિ વિશે પ્રજાનું ધ્યાન દોરાયું.
કોઈપણ હળપતિને ત્યાં ગાય, ભેંસ કે બળદ જેવા પશુઓ જોવા મળતા નથી. કેમ કે આવા પશુઓ પાળવા અને તેમની ચાકરી કરવાનો ખર્ચ પરિવારને પોષાતો નથી. તેઓ મરઘાં ઉછેરે છે. જે ધાર્મિક વિધિઓમાં તથા ખોરાક તરીકે વપરાય છે. હળપતિ સમાજમાં ઈંડા અને માછલી ખાવાનું પણ ચલણ છે. તેઓ મુખ્યત્વે નદી કે તળાવ માં મળતી માછલીઓ ખોરાકમાં ઉપયોગમાં લે છે. માછલી પકડવા માટે જાતે બનાવેલી વાંસની ટોપલીઓ કે જાળ વાપરે છે.
હળપતિ સમાજ જુદા જુદા જીલ્લાઓ અને પ્રદેશમાં વસે છે અને જેતે જગ્યાએ વસેલી પ્રજા સાથે હળી મળીને રેહવાના કારણે તેમનો સંસ્કૃતિક વારસો પ્રગતિ પામ્યો છે અને રીત રિવાજોમાં ફેરફારો જોવા મળે છે. જે સમયે સમયે ઉત્સવો, લગ્ન અને મરણ પ્રસંગોમાં નોંધનીય રીતે જોવા મળે છે.
સંસ્કૃતિક રીત રીવાજો
રજસ્વલા સ્ત્રી ( Have First Menstruation )
બીજી અન્ય આદિવાસી જાતિઓમાં જયારે કન્યા રજસ્વલા થાય ત્યારે વિધિપૂર્વક તે પ્રસંગને ઉજવવામાં આવે છે, જયારે હળપતિ સમાજમાં એવો રીવાજ નથી. પરંતુ તેઓ આભળછેટ પાળે છે. મોટા ભાગના હળપતિ કુટુંબોમાં આ આભળછેટ ત્રણ કે પાંચ દિવસ સુધી પાળે છે. ચોથે દિવસે કે છઠે દિવસે નાહવાનું હોય છે. તે દિવસને માથું ધોવું કે માથું ચોળવું કહે છે. તે દિવસે ખાસ તરદી લઈને માથું ચોળવાનું હોય છે અને વાળ કોરા (વગર તેલ કે દીવેલ ) ના રાખવાના હોય છે.
સ્ત્રી જયારે સગર્ભા બને છે ત્યારે માથું ચોળવાનું બંધ થાય છે. આ એ વાતની પ્રતીતિ કરાવે છે કે હળપતિઓને માસિક ઋતુઓનું અને સગર્ભા અવસ્થાનું પૂરેપૂરું જ્ઞાન હોય છે. જે માસમાં ગર્ભ રહ્યો હોય તે માસ થી તેઓ મહિના દિવસો ગણતા હોય છે જેથી કરીને સીમંતનો પ્રસંગ ઉજવવાનું સરળ પડે.
લગ્ન
હળપતિ સમાજમાં લગ્ન માટે છોકરાની ઉમર ૧૮ વર્ષની અને છોકરી માટે ૧૫ વર્ષની હોય છે. હળપતિ સમાજમાં કેટલાક રીવાજો એવા છે કે જેને કારણે લગ્ન ઉપર કેટલાક નિયંત્રણો મુકાય છે. તેમાંથી પસાર થઇ ગયા પછીજ લગ્ન થઇ સકે છે. જે નીચે મુજબ છે.
- લગ્ન ગોઠવવા માટે એક વસ્તારીયો/વહટાળીયો હોય છે. જે મધ્યસ્થી તરીકે જરૂરી છે.
- દહેજ એટલે કન્યાને આપવી પડતી કીમત, એવો રીવાજ છે.
- વીંટો એટલે ગોળ કે આંકડાંનો રીવાજ
આ ત્રણ નિયમો પાલન થાય ત્યાર બાદ લગ્ન નક્કી કરવામાં આવે છે.
વીટો ( ગોળ કે આંકડો )
વીટો એટલે ગોળાકાર વર્તુળ કે કુંડાળું. આ કુંડાળા કે વર્તુળ માંથીજ કન્યા પસંદ કરી શકાય છે. અમુક વિસ્તારમાં અમુક હળપતિ સમુદાયના લોકોજ અંદરો અંદર લગ્ન સંબંધ બાંધી શકે એને વીંટો કેહવાય છે. આ વીંટો બાંધવાનો રીવાજ ઘણું કરીને આર્થીક સ્થિતિને લીધે પડ્યો હશે. પરંતુ એનું સામાજિક મહત્વ ઘણું છે.
કન્યા ની પસંદગી
છોકરો ૧૮ વર્ષનો થાય ત્યારે ઉમર લાયક થયો ગણાય છે. તે વખતે એના માં બાપ એના માટે કન્યા શોધવાનો પ્રયાસ કરે છે. આ છોકરા માટે કન્યા શોધવા તેના મામા અથવા બહેન બનેવી તથા બીજા અંગત સગાઓ આગળ પડતો પ્રયાસ કરે છે. તેઓ કન્યા ધ્યાનમાં આવે એટલે કન્યા ના માં બાપ ને મળી છોકરા વિશે જણાવી વાત આગળ વધારવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ કન્યાના માં બાપ છોકરાના કટુંબ અને છોકરા વિશે તપાસ કરે છે જેમાં એક બીજા કુટંબમાં કોઈ ગંભીર બીમારી કે રોગ તો નથી ને જેવી માહિતીઓ મેળવે છે. જો કોઈ શંકા જણાય તો લગ્ન નો વિચાર પડતો મુકવામાં આવે છે અને જો બધું સંતોષ જનક રહે તો કન્યા પક્ષેથી છોકરાના પરિવારને હામી આપી કન્યા પસંદગી માટેની તારીખ નક્કી કરવાનું જણાવવામાં આવે છે.
છોકરાને સ્વતંત્રતા
સમાજમાં કન્યાને છોકરાના માં બાપ બેન બનેવી વગેરે જોવા માટે છોકરીના ઘરે જાય છે. પછી થોડા દિવસ પછી છોકરો પણ જાય છે. જો છોકરાને કન્યા પસંદ નહોય અને માં બાપ ને કન્યા પસંદ હોય તો પણ છોકરાની પસંદગીની ઉપેક્ષા કાર્ય વગર કન્યા ને ના પાડવામાં આવે છે. આ તબક્કે છોકરાની મરજી માન્ય રાખવામાં આવે છે. જો કન્યા પસંદ પડે તો બંને પક્ષે માં બાપ લગ્નની તારીખ નક્કી કરવાની તૈયારી શરુ કરવામાં આવે છે.
નાની તાડી (વિવાહ)
છોકરા છોકરી બંને પક્ષે અનુકુળ આવી જતા બંને પક્ષના માં અને બાપ બધી બાબતો નક્કી કરી લે, એટલે વિવાહની તારીખ નક્કી કરવાનો પ્રસંગ આવે છે. આ પ્રસંગને જુના વખતમાં નાની તાડી કેહતા. આ પ્રસંગે બંને પક્ષના સગાઓ ભેગા થઇ તારીખ નક્કી કરી થોડી તાડી પિતા. તાડી ખરીદવા માટે કન્યાના માં બાપે ૫ રૂપિયા અને છોકરાના માં બાપે ૩ રૂપિયા આપવાના રહેતા.
પહેરામણી – અર્થાત દહેજ
વિવાહના દિવસે છોકરા તરફના લોકો કન્યાના ગમે જાય છે. અને વસ્તારીયા મારફતે સંદેશો કહેડાવે છે. એટલે બંને પક્ષના કહેવાથી દહેજ નક્કી કરવા પંચને બોલાવવામાં આવે છે. દહેજનો અર્થ પહેરામણી થાય છે . હળપતિ સમાજના લોકો એને કન્યાની કિમતના અર્થમાં વાપરે છે એટલે કે છોકરાવાળા કન્યા વાળાને રોકડ રકમ તથા બીજી ચીજો કન્યાના બદલામાં આપે તેને દહેજ કહે છે. દહેજમાં આપવાની રોકડ રકમ આ વખતેજ આપી દેવામાં આવે છે. અને કપડા તથા ઘરેણા મોટી તાડી વખતે આપવાના હોય છે.
મોટી તાડી ( બીજો તબક્કો )
આ પ્રસંગ નાની તાડીના પ્રસંગ પછી લગભગ ૬ મહીને આવે છે. વિવાહના આ બીજા તબક્કામાં કન્યાને કાપડા તથા ઘરેણાં આપવાના હોય છે. આ પ્રસંગ ને મોટી તાડી કહે છે. એનાથી બંને કુટુંબોનો સંબંધ ગાઢ થાય છે અને તેની ખુશહાલીમાં તાડીની મોટી મિજબાની કરવામાં આવે છે. આ વખતે છોકરા વાળા ૨૦ થી ૨૫ માણસો લઈને અગાઉ નક્કી થયા પ્રમાણેની પહેરામણી સાથે કન્યાના ઘરે આવે છે.
પહેરામણીની વિધિ બપોરે શરુ થાય છે. તેમાં એટલી ચીજો હોય છે. બે કલ્લાઓ, બે સાડીઓ, બે બ્લાઉઝ, કેટલીક બંગાળીઓ, અને ચૂડીઓનો સમાવેશ થાય તથા હાથે કાતેલું સુતર હોય છે. આ સુતરને ગ્રંથી કહે છે. તે લગ્ન વખતે છેડા ગાંઠ માં વપરાય છે. આ બધી વસ્તુઓ છોકરીના માતાને અર્પણ કરવા માટે પવિત્ર દીવા આગળ મુકવામાં આવે છે. પછી વસ્તારીયો તે વસ્તુઓ કન્યાના માં બાપને આપે છે. ત્યાર બાદ ચા પાણી માટે ફાળો ઉઘરાવવામાં આવે છે. જેમાં છોકરાના બાપ રૂ. ૬ અને છોકરીના બાપ રૂ. ૩ આપે છે. ચા પાણી પુરા થયે નજીકના લોકો રાત થાય એ પહેલા ઘરે પહોચી જાય છે. જો મહેમાન દુર થી આવ્યા હોય અને રાત્રી રોકવાના હોય તો પણ તેઓ કન્યાના ઘરે જમતા નથી. પોતાના જમવાની વ્યવસ્થા તેઓ પોતાની મેળે કરી લે છે. વહેલી સવારે ઘરે જવા નીકળી જાય છે.
લગ્નવિધિ
લગ્ન ની તારીખ નક્કી કરવાની વિધિ :
હળપતિ સમાજમાં લગ્નની તારીખ નક્કી કરવા બ્રાહ્મણ ને બોલાવવા પડતા નથી. તેમ છતાં લગ્નતિથી નક્કી કરવા તેઓ તેને બોલાવે છે. બ્રાહ્મણ કોઈ પુરાણી ગોર કે જોષી હોય છે. તે પંચાંગ જોઇને લગ્નનું મુહુર્ત કાઢી આપે છે. આ લગ્નનું મુહુર્ત વહુમાં અને વારમાં તથા લગ્ન કરનાર કન્યાને રજો દર્શનનો સમય ના નડે એ રીતે નક્કી કરવામાં આવે છે. જો છોકરાની કે છોકરીની માં ઘરડી, અશક્ત કે વિધવા હોય તો તેની કાકી કે મોટી માં અથવા ભાભી વર માં બને છે. વર માં કે કન્યાના વહુ માં એટલે લગ્નની રીત કે વિધિ કરાવવા વળી સ્ત્રી.
ઘાણ :
ઘાણ નો રીવાજ હળપતિઓની વિશેષતા છે. એનાથી અગાઉ કરેલો વિવાહ પાકો થાય છે. નાની તાડી અને મોટી તાડી વિવાહ કરેલો હોય છે. તેમાંથી કોઈનું મન કડવું હોય તો તે પાકું કરવા આ ત્રીજી વિધિ થાય છે.
આ પ્રસંગે વરપક્ષ તરફથી કન્યાપક્ષ ને એક ગુણ ચોખા મોકલવામાં આવે છે. ચોખાને ઘાણ કહે છે. ચોખા ઉપરાંત વિવાહ વખતે નક્કી કરેલી દહેજની રકમ પણ મોકલવામાં આવે છે. ઘણી વખત ચોખા એક ગામ થી બીજે ગામ લઇ જવાની તરદી ટાળવા ચોખાને બદલે રોકડ રકમ આપવામાં આવે છે.
લગ્નની પૂર્વ તૈયારી :
લગ્ન મંડપ (ચોરીવિધિ – મુરત બેરિયું વિધિ )
સામાન્ય રીતે હળપતિઓ લગ્ન પ્રસંગ પહેલા ઘરની સફાઈ કરીને લીપીને નવું બનાવી દે છે. લગ્ન કે અન્ય પ્રસંગે ઘર સણગારવાનો રીવાજ નથી પરંતુ લગ્નનો મંડપ બાંધવાનો હોય છે. તે માટે વિધિ કરવામાં આવે છે. છોકરાના ઘરે આ વિધિ લગ્નના અગાઉ ત્રીજા દિવસે થાય છે. અને કન્યાના ઘરે આ વિધિ લગ્ન અગાઉ પાંચમાં દિવસે થાય છે.
મંડપ વિધિમાં મંડપની પેહલી થાંભલી રોપાય તે પહેલા એ અંગેની અધિષ્ઠાત્રી દેવીને એક સોપારી, થોડાક ચોખા, થોડાક ફૂલો અને એક પૈસો એટલાનો આર્ધ્ય આપવામાં આવે છે. મંડપ આંઠ થાંભલાનો બને છે. તેને વાંસડા વડે ઢાંકી દેવામાં આવે છે. ઉપર મથાળે લીલું કે સુકું ઘાંસ પાથરવામાં આવે છે. માંડવાની વચ્ચે જમીન ઉપર માટીની ચોરી બનાવવામાં આવે છે. લગ્નની વિધિ વખતે આ ચોરીમાં વસ્તુઓ હોમાય છે.
કેટલાક વિસ્તારમાં ચોરીને બદલે માંડવાની વચ્ચે એક થાંભલી રોપવામાં આવે છે. તેને મુહુર્ત બેરિયું કહે છે. આ થાંભલી રોપવા ખાડો ખોદવામાં આવે છે. તેમાં સીમવૃક્ષ કે ખીજડાની એક ડાળી, નાગરવેલનું પાન, સોપારી અને થોડા ચોખા મુકવામાં આવે છે. લગ્ન વખતે આ થાંભલીની આસપાસ વર કન્યા ફેરા ફરે છે. જે હળપતિઓ ચોરી વાપરે છે તે ચોરીવાળા હળપતિ કહેવાય છે. અને જે મુહુર્ત બેરિયું વાપરે છે તે માંડવિયા હળપતિ કહેવાય છે.
પીઠી ચોળવી : સાંત લીટીનો એક પેરેગ્રાફ બાકી
મંડપ બંધાય તે જ દિવસથી વર-કન્યાને પોત-પોતાના માંડવામાં પીઠી ચોળવામાં આવે છે. છોકરાને ત્રણ દિવસની પીઠી અને છોકરી પાંચ દિવસની પીઠી ચોળાય છે. આ પ્રસંગે પાડોશના સગાની સ્ત્રીઓને નોતરવામાં આવે છે. અને તેઓ પ્રસંગને અનુરૂપ ગીતો ગાય છે. પીઠી ચોળવાનું કામ છોકરાની મોટી કાકી, ભાભી કે મામી કરે છે.
નોતરું મુકવું
લગ્નમાં આવવાનું આમંત્રણ
હળપતિ લોકોની આ એક વિશેષતા છે કે લગ્નમાં આવવાના નોતરા આપવા તેઓ જાતે જાય છે. પીઠીને પહલે દિવસે ગામની કે ફળિયાની સ્ત્રીઓ ચોખા લઈને આવે છે. એ ચોખા વરને આપવાના હોય છે. આ ચોખા સુકાનીયાળ ગણાય છે. તેથી તેને સાચવી રાખવામાં આવે છે. ઘરની સ્ત્રીઓ આ ચોખામાં હળદર મેળવે છે. અને નોતરા આપવા જતી વખતે પોતાની સાથે લેતી જાય છે. છોકરા કે છોકરીની બહેનો, ભાભી કે ફોઈઓ ગામમાં કે ફળિયામાં નોતરું આપવા જાય છે. નોતરું મૌખિક અપાય છે. બીજા દિવસે તેઓ તેમના સગાને ઘરે જાય છે. દરેકના ઘરના ઉંબર ઉપર થોડા ચોખા મુકે છે. અને નિયત દિવસે લગ્નમાં આવવાનું આમંત્રણ આપે છે. આં રીતે આમંત્રણ આપવાની ક્રિયાને નોતરું કહે છે.
વરના ઘરે થતી તૈયારી
જાન લઈને કન્યાના ગામ જવા નીકળતા પહેલા વારનો બાપ એના સગાને જમાડે અને વરઘોડાની તૈયારી કરે છે. વર સ્નાન કરે પછી તેના મામા કે ફોઈએ આપેલા નવા કપડા પહેરે છે. કપડામાં આટલી વસ્તુઓ હોય છે. ધોતી (હવે પેન્ટ ), ખમીસ, કોટ, માથા પર ટોપી, પાઘડી કે સાફો અને ગાળામાં હાર હાથમાં ફૂલનો ગોટો (કલગી) તથા નાળીયેર રાખવામાં આવે છે.
મીઢલ
વરના હાથે બે મીઢળ બાંધવામાં આવે છે. એમનું એક મીઢળ લગ્ન વિધિ કરતા પહેલા કન્યાને હાથે બાંધવામાં આવે છે. મીઢળ બાંધવું કે શુકનિયાળ તથા કોઈની મેલી નજર ના લાગે એટલે બાંધવામાં આવે એવું મનાય છે.
કંકુ ચાંદલો
મીઢળ બાંધ્યા બાદ મોટી ભાભી અથવા વરની માં એને આશીર્વાદ આપે છે. અને વરને કપાળે કંકુનો ચાંદલો કરી ફૂલનો હાર પહેરાવી માથા ઉપર ચાર વખત કે સાત વખત દીવો અને ચોખા ઉતારવામાં આવે છે.
ચાંદલો (રોકડામાં )
રોકડનાણું કંકુવાળું કરીને વરને આપવાનો રીવાજ. ઘણા સગાઓ તેમજ ગામ લોકો તથા મિત્રો આ ચાંદલો આપે છે. ચાંદલો કેટલો આપવો તે પ્રથમ તો સગાઈના પ્રમાણના ઉપર આધાર રાખે છે. નજીકના સગાઓ વધારે ચાંદલો આપે છે. ઉપરાંત ગામ કે ફળિયાના લોકો જેઓ સગા ના હોય તેઓ પોતપોતાના વહેવાર પ્રમાણે ચાંદલો કરે છે. ચાંદલાની રકમ એક રૂપિયા થી શરુ કરી ૫ રૂપિયા સુધી હોય છે. હળપતિઓ લેખિત હિસાબ રાખતા નથી. પરંતુ વહેવારની રકમ તેઓ બરાબર યાદ રાખે છે. જેથી પ્રસંગ આવ્યે તે પછી વાળી શકાય.
જાન ( વરઘોડો )
ઢોલ, નગારા અને વાજા સાથે આનંદપૂર્વક જાન કાઢવામાં આવે છે ત્યારે ઉત્સવનું વાતાવરણ સર્જાય છે. ત્યારે જે રંગારંગ કરવામાં આવે છે. તેનાથી ગરીબ હળપતિઓ મોટા દેવામાં ઉતરી જાય છે.
વાર અને તેના બાપની આર્થીક સ્થિતિ ગમે તેવી હોય તો પણ આ પ્રસંગે વરને વરરાજા તરીકે માન આપવામાં આવે છે. જાન વરઘોડાના રૂપમાં ઘરેથી નીકળે છે.
અણવરિયો
જાનમાં વર રાજાને લઇ જવા જો ઘોડો કે વાહન ના હોય તો એનો બનેવી એને પોતાના ખભા ઉપર બેસાડીને ગામની કે ફળિયાની ભાગોળ સુધી લઈ જાય છે. આ બનેવીને અણવરિયો કહે છે. ( અણવરિયો એટલે અનુવર વરની પાછળ જનાર ) ભાગોળે ગયા પછી વરને એક ખાસ ગાડામાં બેસાડવામાં આવે છે. આ ગાડું શણગારેલું હોય છે. આ રીતે ગાડામાં બેસીને વરરાજા કન્યાના ઘરે જાય છે. આ પ્રસંગે સ્ત્રીઓ ગીત ગાય છે. કન્યાનું ગામ નજીક આવતા ભાગોળેથી અણવરિયો વરરાજાના સાથે રહીને તેને બધી મદદ કરે છે. લગ્ન પછી આણા વખતે પણ અણવરિયો આવશ્યક ગણાય છે.
ઉતારો
( જાનનો ઉતારો )
કન્યાના ગામે જાન પહોચતા જાનને કોઈકના ઘરે ઉતારો આપવામાં આવે છે. ત્યાં વરરાજા તેમના સગાઓ તથા જાનૈયાઓ આરામ કરે છે. તથા પાણી વગેરેથી તેમનું સ્વાગત કરે છે.
કન્યાના ઘરે લગ્નની તૈયારી
શાંતક (ગ્રહ શાંતક )
જાન આવ્યા પછી કન્યાના કુટુંબની સ્ત્રીઓ ચોરી માટે માટી લેવા જાય છે. ચોરી બનાવનાર હળપતિ હોય છે. ચોરી બનાવ્યા પછી તેમાં અગ્નિ દેવતા સળગાવવામાં આવે છે. આ અગ્નિમાં નાળીયેર, ચોખા, સોપારી વગેરે હોમવામાં આવે છે. વરરાજા ગામમાં આવે નહિ ત્યાં સુધી આ વિધિ કરવામાં આવતો નથી. હાલની ગ્રહશાંતક જેવીજ વિધિ છે.
સ્નાન તથા જાનનું સ્વાગત
પીઠીવાળી કન્યાને સ્નાન કરાવી તેની પીઠી ધોઈ નાખ્યા બાદ તેમના મામા એ આપેલી સાડી પહેરે છે. આ દરમ્યાન કન્યાપક્ષનો એક પુરુષ સગો, મોટા ભાગે કન્યાનો ભાઈ વરરાજા અને તેની જાનનું સ્વાગત તથા મંડપમાં લઇ આવવાની વિધિ કરે છે.
પોંખવણું
( વરરાજાનું મંડપમાં આવવું )
વરરાજાને અણવરીયાના ખભેથી ઉતારી કન્યાના ઘર આગળ આવીને માંડવાના દરવાજે ઉભો રહે છે. એની સાસુ એનું વિધિપૂર્વક સ્વાગત કરે છે. આ વિધિને અરધવું અથવા પોખવું કહે છે. આ વિધિમાં સાસુ વારના માથાની આસપાસ એક જુવારનું રાડું અને નાનો રવૈયો ફેરવે છે. પછીથી સાસુ લાલ અને સફેદ સુતર લઇ વારના માથાથી પગ સુધી વીંટાળે છે. આ સુતર પછીથી લઇ લેવામાં આવે છે. અને તેનું ગૂંચળું વાળી વરમાળા બનાવવામાં આવે છે. આ વરમાળા લગ્ન વિધિમાં વપરાય છે. પછી વર અને કન્યાને સામસામાં પાટલા પર બેસાડવામાં આવે છે. કન્યાને તેનો બનેવી અણવરિયો ઊંચકીને ચોરીમાં લાવે છે. અને વરની પાસે બેસાડે છે. વરને તેનું સાસુએ પોખરણા પછી ચોરીમાં લાવેલા હોય છે.
કન્યાને મીઢળ બાંધવું
ચોરીવાળો લગ્ન વિધિ શરુ કરે તે પહેલા વારના હાથેથી મીઢળ છોડી કન્યાના હાથે બાંધવામાં આવે છે.
અંતરપટ
વર કન્યાની વચ્ચે થોડા સમય માટે એક કપડાનો પડદો કરવમાં આવે છે, આ પડદા ને અંતરપટ કહે છે.
લગ્નની શરૂઆત
આ અંતરપટ બાદ ચોરીવાળો ગંગા, ગોદાવરી, જમના વગેરે પવિત્ર નદીઓ તથા હિંદુ દેવી દેવતાઓના નામો વારંવાર બોલવવામાં આવે છે. તેમાં વરકન્યાના નામો પણ સાથે બોલવામાં આવે છે. વચ્ચે વચ્ચે અણવરિયો સાવધાન સાવધાન એવો શબ્દ બોલે છે.
સપ્તપદી અને છેડો બાંધવો
હળપતિઓ સામાન્ય રીતે સપ્તપદી રીવાજોને અનુંશરે છે. પોંખપણા વખતે જે સુતર વરને વીંટળવામાં આવેલું તેનાથી ગૂંચળું વાળી વરમાળા બનવવામાં આવે છે. અને તે વરકન્યાને પહેરાવવામાં આવે છે પછી કન્યાની સાડીનો છેડો અને વરને ઓઢાડવામાં આવેલા શાલનો છેડો લઇ છેડા બાંધવામાં આવે છે. ત્યાર પછી કન્યા આગળ અને વર પાછળ એ રીતે તેઓ ચોરીમાં પ્રગટાવેલા અગ્નિની પ્રદક્ષિણા સાતવાર ફરે છે. આ સપ્તપદી લગ્નવિધિનું આવશ્યક અંગ ગણાય છે. હળપતિઓ આ વિધિ પોતાની જ જાતિના ભગતની પાસે મંત્રોચ્ચાર કરાવી વિધિ કરાવતા હતા. વિધિ પૂરી થાય એટલે ભગત તેમના મંત્રોચ્ચાર પુરા કરે છે. ત્યાર બાદ તેઓ ઢોલીઓને જોરથી ઢોલ વગાડવા સૂચવે છે. એ ઉપરથી બધાને સુચન થાય છે કે લગ્નવિધિ પૂર્ણ થઇ.
કન્યાદાન અને મામેરું
જાનૈયા ભોજન પતી ગયા પછી બધા મંડપમાં ભેગા થાય છે. ત્યાં કન્યાનને તેના બાપે જે વસ્તુઓ આપવાની હોય તે બધાની સમક્ષ આપવામાં આવે છે. આ ભેટને કન્યાદાન કહેવામાં આવે છે. કન્યાને તેના સગાઓ ખાસ કરીને મામાઓ ભેટ આપે છે. એમાં મા-બાપ પણ એનું ઘર માંડવા માટે કિંમતી નાના-મોટા વાસણો આપે છે.
મા તરફથી જે ભેટો અપાય છે તે મામેરું કેહવામાં આવે છે, મામેરું વિધિ પૂર્વક અર્પણ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓ તે પોતાના સાસરે લઇ જાય છે. આ વિધિ પૂરી થયા પછી કન્યાને તેનો ભાઈ મંડપ માંથી એના બાપના ઘરમાં લઇ જાય છે. જયારે વરના સગા સંબંધી તથા વર ત્યાં મંડપ માજ બેસી રહે છે.
લગ્નની રાત્રી
વર તથા જાનના માણસો આખી રાત્રી મંડપની અંદર ગાળે છે. અને ગપ્પા મારીને કે કોઈ રમત કરીને આનંદ મેળવે છે. કન્યા પક્ષના લોકો પણ એમાં ભાગ લે છે અને સૌ મજા કરે છે. તેઓ થોડું તોફાન પણ કરે છે. જેમાં વારના જોડા કે એવી બીજી વસ્તુ સંતાડી દેવામાં આવે છે. ગામના લોકો નૃત્ય કરીને આનંદમાં વધારો કરે છે.
કન્યાને વળાવવી
હળપતિ કોમમાં સંગઠનની ઘણી સાબિતીઓ કન્યાનાં લગ્ન પ્રસંગે જોવા મળે છે. કન્યાને આખી કોમની દીકરી માનવામાં આવે છે. એને વળાવવા સૌ કોઈ આવે છે. અને પાદર સુધી કે ગામના ઝાંપા સુધી વળાવવા જાય છે. આ પ્રસંગે ચાંદલો કરવાનો રીવાજ છે. આ ચાંદલો નાણાના રૂપમાં આપવામાં આવે છે. સગા-વહાલા અને ઓળખીતાં સૌ કોઈ ચાંદલો આપે છે.
કન્યાના માં બાપ કન્યાને નાળીયેર, પાન, સોપારી તથા સવાશેર ચોખા આપે છે. કન્યાને મંડપ માંથી વળાવતી વખતે પરણિત યુગલ મંડપની આગળ બાધેલ તોરણમાંથી જયારે અપરણિતો તોરણની બહારથી પસાર થાય છે.
આમ, કન્યા જયારે સાસરે જાય છે ત્યારે એનાં માં બાપ વિરહના આંસુ સારે છે. છેલ્લે કન્યાને સાસરીમાં કેમ વર્તવું તેવી શિખામણ આપતા ગીતો ગવાય છે કન્યાના માં બાપ વરના માં બાપને વિનંતી કરે છે કે તમે અમારી દીકરીને તમારી દીકરી જેવીજ ગણજો અને જો એની ભૂલચૂક થાય તો માફ કરજો.
જાનનું ઘરે આવવું
લગ્નવિધિની પુર્ણાહુતી અને વહુને ઘરે લાવવાનો પ્રસંગ મહત્વનો ગણાય છે. તેની વિધિપૂર્વક ઉજવણી થાય છે. એનું ધાર્મિક મહત્વ ઘણું છે કેમ કે વરકન્યાનું જોડું ઘરમાં દાખલ થાય તે પેહલા તેમણે મંદિરે દર્શન કરવા જવાનું હોય છે. જેમાં ભરમદેવ ( ભ્રમ્મ દેવ ) નાં મંદિરે જવાનું સૌથી વધુ મહત્વનું મનાય છે. ત્યાં ભેટ, ચઢાવવામાં આવે છે તથા સંતાન માટે પ્રાર્થના કરવામાં આવે છે.
વહુની પરીક્ષા
ઘરમાં પ્રવેશ કર્યા પછી વહુની પરીક્ષા કરવામાં આવે છે. આમાં તેની નણંદો, જેઠાણીઓ, દિયર અગત્યનો ભાગ ભજવે છે.
ખાલી ભરેલું
સૌ પ્રથમ કેટલાંક ઘડા મુકવામાં આવે છે. તેમાં કેટલાક અનાજથી ભરેલાં હોય છે. અને કેટલાક ખાલી હોય છે. અમુક ઘડો ભરેલો છે કે ખાલી તે વહુને પૂછવામાં આવે છે. જે એનો જવાબ ખોટો પડે તો એને ચીઢવવામાં આવે છે. આ રીતે પતિના નજીકના સગાનું ઓળખાળ દ્રઢ બને છે.
મીંઢળ છોડવા
ત્યાર બાદ વર વહુ બંનેના હાથેથી વરનો નાનો ભાઈ દિયર મીંઢળ છોડે છે અને તે છાપરા ઉપર નાખવામાં આવે છે.
બારણું બંધ કરવું
કેટલાક ગામોમાં વરકન્યા ઉમરાની અંદર પ્રવેશે તે પહેલા વરનો નાનો ભાઈ જે કુંવારો હોય તે ઘરની અંદરથી બારણું બંધ કરીને એવી નવી ભાભીને પ્રશ્ન પૂછે છે કે, ” મારું લગ્ન કરવામાં મને મદદ કરશે ને ? જ્યાં સુધી આ પ્રશ્નોમાં સંતોષ કારક જવાબ ન મળે ત્યાં સુધી બારણું ઉગાડવામાં આવતું નથી.
આણું
નવી આવેલી વહુને સાસરામાં લાંબો સમય રહેવા દેતા નથી. એકાદ અઠવાડિયા પછી વહુના પિયર તરફથી તેને તેડવા આવે છે. તેને આણું કેહવામાં આવે છે. આમાં બેકી સંખ્યામાં સગા-સંબંધી આવે છે અને વહુના પિયરના માણસો વરને પણ તેડી જતા હોય છે. વરરાજાને સસરાના ઘરે થોડા સમય રોકવાનું હોય છે ત્યાં સસરાના ઘર આગળના તોરણો ઉઠાવી લેવાના હોય છે અને કચરો સાફ કરવાની હોય છે. એટલુજ નહી પણ આણું આવતા સુધી માંડવો ઉપાડવામાં આવતો નથી..
વર વહુ પાછા પોતાના ઘરે આવે ( ઉંડા વિધિ )
વહુ સાથે વર સાસરામાં એક અઠવાડિયું રહ્યા પછી તેને તથા વહુને તેડવા માં બાપ પોતાના સગાને મોકલે છે. આણુંમાં મોકલેલા માણસો કરતાં આ વખતે ઓછામાં ઓછા બે માણસો વધારે મોકલે છે આ લોકો વેવાઈને ઘેર એક દિવસ રહે છે. તેમને સરસ ભોજન જમાડવામાં આવે છે. અને પછી તેઓ વર વહુને તેડીને પાછાં જાય છે. આ વખતે એક નાની વિધિ કરવામાં આવે છે. અને પછી તેઓ વર વહુને તેડીને જાય છે. વહુના માં બાપ વહુને બે લાડુ આપે છે. તેને ઉંડા કહેવાય છે. તેમાં લોટ, ગોળ, તેલ, ઘી ભેળવેલા હોય છે. આ રીતે દીકરીનું આણું વળાવાય છે. ત્યાર પછી અણવરિયા અને અન્ય સગાઓનું કર્તવ્ય પૂર્ણ થાય છે.
( દાપુ ) દાપા
લગ્નની વિધિ સંપૂર્ણ પૂરી થયે અણવરિયાનું કર્તવ્ય પણ અહીં પૂરું ગણાય છે તે પોતપોતાના ઘરે જાય છે ત્યારે તેમની અણવરિયાને એક પેન્ટ પીસ કે શર્ટપીસ થોડા નાણા ભેટમાં આપવામાં આવે છે. કન્યા પક્ષના અણવરિયાને કન્યાના માં બાપ આ ભેટ આપે છે. લગ્ન વિધિ દરમ્યાન અને પછી અણવરિયો જે ફરજો બજાવે છે તેના બદલા માં આ ચીજો દાપા તરીકે આપવામાં આવે છે .
સીમંત – ખોળો ભરવો
લગ્ન બાદ યુવાન સ્ત્રી પ્રથમવાર ગર્ભ ધારણ કાર્ય બાદ પ્રસુતિ માટે તેને પિયર તેડી લાવવામાં આવે, તે પ્રસંગને ઉજવવામાં આવે છે. આ વિધિને ખોળો ભરવો કહે છે. હળપતિઓ ગર્ભધારણ પછી પાંચમે કે સાતમે મહીને ખોળો ભરે છે. આ વિધિમાં મુખ્યત્વે સગર્ભા સ્ત્રીના ખોળામાં અમુક ભેટો મૂકી ખોળો ભરવાનો હોય છે. સામાન્ય રીતે દોઢ શેર ઘઉં, પાન, સાત સોપારી, એક નાળીયેર, સવા રૂપિયો વગેરે મુકવામાં આવે છે. ત્યાર બાદ સગર્ભા સ્ત્રીને પાટલા કે બાજટ ઉપર બેસાડવામાં આવે છે. આ વિધિમાં સ્ત્રીની જેઠાણી આગળ પડતો ભાગ ભજવે છે. જેઠાણી ના હોય તો સગર્ભા સ્ત્રીની બહેન પણ વિધિ કરી શકે છે. આ પ્રસંગે ગીતો ગાવાની પહલ પણ એજ કરે છે. તે સીમંતી ને નવી સાડી પહેરાવે છે. દુલ્હન ની જેમ સુંદર તૈયાર કરે છે. કંકુનો ચાંદલો કરે છે. એજ રીતે સાસરા પક્ષ અને પિયર પક્ષની વડીલ સ્ત્રીઓ એને પુત્ર વધુ આવે અને એ સુખી રહે એવા આશીર્વાદ આપે છે.
આ પ્રસંગે સગર્ભા સ્ત્રીના માં બાપ આવતાં નથી. પરંતુ તેઓ દુર રહીને વહેવાર કરે છે. વહેવારમાં જમાઈને તથા તેમના માં બાપને કપડા આપવાના હોય છે. આ વહેવાર કરીને તરતજ તે જ દિવસે તેઓ પાછા આવી જાય છે. તેઓની વિદાય વખતે સાસરા પક્ષવાળા તેમને વિદાય આપે છે. અને વહેવારમાં સવા રૂપિયો કે સવા પાંચ રૂપિયા રોકડા આપે છે. આ રીતે આ પ્રસંગે બંને વેવાઈઓ ભેટે છે અને સૌ કોઈ આનંદ સાથે નવા આવનાર બાળકની આતુરતાથી રાહ જુએ છે.
દાઈ ( દાયણ )
પ્રસુતિ કરવા મોટી દાઈ બોલાવવી આવશ્યક ગણાય છે. હળપતિ સ્ત્રીઓ પણ દાયણ નું કામ કરે છે. પરંતુ એવી કોઈ દાયણ ના મળે તો પડોશમાંથી અનુભવી સ્ત્રીઓને બોલાવવામાં આવે છે. પુરુષને પ્રસવ સમયે હાજર રહેવા દેવામાં આવતો નથી.
( પ્રસુતિ ) – સુવાવડ
સગર્ભા સ્ત્રીને પોતાના પિયરમાં માં-બાપને ઘરે લાવ્યા બાદ, સુવાવડી સ્ત્રીને સુવા માટે કાથીનો ખાટલો તૈયાર કરવામાં આવે છે. એના પર ખજૂરીની સાદડી પાથરવામાં આવે છે. સુવાવડ દરમ્યાન પ્રસુતા સ્ત્રી આ સાદડી પર સુવે છે. સુવાવડના થોડા દિવસ તેમને ગરમ રાબડી પીવડાવવામાં આવે છે. પછીથી રોજીંદો ખોરાક આપવામાં આવે છે.
બાધા
ઘણી વખતે સ્ત્રીને સુવાવડમાં અત્યંત પીડા થાય છે. અને પ્રસવ થતા ઘણીવાર ત્યારે પેટફાડી માતાની બાધા રાખવામાં આવે છે. માત્ર બાધા રાખવાથી પુરતી રાહત ના મળે તો કેટલીક વાર પેટફોડી માતાને મરઘાં કે બકરાનું બલિદાન આપવામાં આવે છે. કેટલીક વાર પેટફોડી માતાને બાળક ચઢાવાની બાધા રખાય છે. આમાં સાચું બાળક ચઢાવવાનું હોતું નથી. માત્ર લોટ, માટી કે ધાતુનું નાનું પુતળું ચઢાવવાનું હોય છે.
નાળ
સુવાવડ બાદ નવા જન્મેલા બાળકની નાળને જુવારના રીડા વડે કાપવામાં આવે છે, પછી તેને ઝુંપડીની પાછળના વાડામાં દાટવામાં આવે છે. જે સ્થળે એક સપાટ પથરો મુકવામાં આવે છે. સુવાવડી સ્ત્રી આ પથરા ઉપર બેસીને દરરોજ નહાય છે. તે પોતાની પથારીમાં બાજુ પર એક દાતરડું પણ રાખે છે. જયારે તે ઝૂંપડી બાહર જાય છે. ત્યારે આ દાતરડું લેતી જાય છે. આ દાતરડાથી તે સુવાવડી સ્ત્રી તેના બાળકનું ભૂતો સામે રક્ષણ કરે છે એવું માનવામાં આવે છે.
માલીશ
માતા અથવા દાઈ-દાયણ નવજાત શિશુને શરીરે કેટલાક દિવસો સુધી તેલ માલીશ કરે છે. આનો હેતુ બાળકના શરીરમાં લોહી સારી રીતેફરે અને તેના શરીરને સુંન્દર આકાર મળે છે. જો માતા શરીરે નાજુક હોય તો તેને પણ માલીશ કરવામાં આવે છે.
મૃત્યુ
હળપતિ લોકો એવું મને છે કે માંદગી કે ભયંકર રોગ કે વૃદ્ધત્વ એ સહાનુભુતિ અને શુભેચ્છા પ્રદર્શિત કરવાનો પ્રસંગ છે. પડોશીઓ અને સગાઓ આવા માણસોને જોવા મળવા આવે છે. અને સાચી લાગણી દર્શાવવા આવે છે. કેટલીક વાર જોવા આવવા વાળા સગાઓ માંદા માણસને માટે ફળફળાદી પણ લેતાં આવે છે. તે ખબર કાઢવા આવનાર લોકો દર્દીને ઝડપથી સારો કરવા શી દવા આપવી, ભગત પાસે કયા મંત્રો બોલાવવા અને દર્દીને આરામ રહે તે માટે શું કરવું તેનો વિચાર કરે છે. આ કામ જો દર્દીની સાથે જુના ઝઘડા ના પતાવાય, જો એની વાસનાઓ સંતોષાય વિનાની રહી જશે તો મરણ પછી તે સતાવશે. આ ઉપરાંત દર્દીનો મરણ શાંતિથી અને દુઃખ વિના થાય એની પણ ચિંતા કરે છે. એટલે લોકો વારંવાર દર્દીને જોવા મળવા આવે છે. બધા નજીકના સગાને પાડોશના ગામમાંથી પણ બોલાવવામાં આવે છે. એમ આખું કુટુંબ દર્દીની છેલ્લી વિદાય પહેલાં એકઠું થાય છે.
છેલ્લી ઘડી ( અંતિમ પળ )
વૃધ્ધ કે માંદા માણસની છેલ્લી ઘડીઓ ગણવા માંડે એટલે તેના સગાઓ બધું કામ પડતું મૂકી તેની પાસે વીલું મો કરીને બેસી જાય છે. કોઈ બહાર ગયું હોત તો તેને બોલાવવામાં આવે છે. જો દર્દી યુવાન હોય તો તેને બચાવવા પ્રાર્થના કરવામાં આવે છે. અને દેવ-દેવીઓની બાધા રખાય છે. નાડી ધીમી પડે અને દર્દી છેલ્લે શ્વાસ લેતો માલુમ પડે કે તરત જ તેને ખાટલા કે પથારી માંથી ઉપાડીને ચોકે એટલે કે પરસાળમાં નાખવામાં આવે છે. આને માટે ગાયના છાણથી લીપેલી જમીન તૈયાર કરવામાં આવે છે.
કહેવાડવું ( સંદેશો )
માણસ મરે કે તરતજ બધા રડવા માંડે છે. કેટલાક મોટા વડીલો તમેને શાંત રાખવાની કોશિશ કરે છે. જયારે બીજા કેટલાક તેમના સગાઓને બોલાવવા માટે, માણસો મોકલી, તેના મૃત્યુનો સંદેશો આપી, સ્મશાન યાત્રાનો સમય આપે છે. તે દરમ્યાન ત્યાં કેટલાક લોકો સ્મશાન યાત્રાની તૈયારીમાં પડે છે.
મડદું કે શબની તૈયારી
મડદાને દક્ષીણ તરફ પગ રાખીને સુવડાવવામાં આવે છે. તેની બાજુમાં ચોખા ઘીનો દીવો અને માથા પાસે દાતરડું કે કોઈ હથિયાર મુકવામાં આવે છે.
નવડાવવું
બાદમાં વિધિ પૂર્વક મડદા ને ઢોરની ગમાણમાં લઇ જવાઈ છે. ત્યાં તેને ખાસ તૈયાર કરેલ ગરમ પાણીથી નવડાવવામાં આવે છે. પછી તેના આખા શરીરે, પગથી માથા સુધી હળદર અને ચોખા પાંચ વખત ચોપડવામાં આવે છે. આ વિધીનો ઈરાદો શરીરને બને તેટલું પવિત્ર બનાવવાનો છે. આ કોમમાં લગ્ન વખતે અને મરણ વખતે પણ પીઠી ચોળવામાં આવે છે.
કફન અને કપડાં
હળદર લગાવ્યા પછી જો પુરુષ હોય તો નવું કોરું સફેદ કપડું ઓઢાડવામાં આવે છે. અને સ્ત્રી હોય તો લાલ કપડું ઓઢાડે છે. આ મડદાને નવા કોરા કપડા પહેરાવવાના હોય છે. જો સ્ત્રી મરણ પામે તો તેના પિયર તરફથી નવા કપડા પહેરાવવાનો રીવાજ છે. આ રીતે મડદું સ્મશાન યાત્રા માટે તૈયાર થાય છે. સ્મશાન યાત્રા માં સગા, પડોશીઓ અને મિત્રો સામેલ થાય છે.
ઠાઠડી
મૃતદેહને નવડાવ્યા પછી તૈયાર કરી ઠાઠડી પર મુકવામાં આવે છે. ઠઠાડી લીલા વાંસની બનાવેલી હોય છે. જે લગભગ ૬ ૧/૨ ફૂટ લાંબી હોય છે. ડાઘુઓ તેજ સ્થળે તે બનાવે છે. બે લાંબા વાંસ પર વાંસની ૨૪ ચીપો કાપી કાથી વડે બાંધવામાં આવે છે. એની ઉપર મૃત દેહને મુકવામાં આવે છે. તેના ઉપર કફન ઓઢાડી તેને ફૂલોથી શણગારવામાં આવે છે.
ડાઘુ
સામાન્ય રીતે મરનારનો સૌથી નાનો દીકરો ડાઘુ બને છે. પણ તે ના હોય તો મરનારનો ભાઈ આ રીત નિભાવે છે. મડદું બહાર કાઢે ત્યારે આ ડાઘુ સૌથી પહેલો બહાર નીકળે છે. તેના હાથમાં હાંડી હોય છે. આ હાંડી માં દેવતા ( અગ્નિ ) હોય છે. તે વડે તે ચિતા સળગાવે છે. મરનારના નજીકના ચાર સગાઓ ઠાઠડી ઉચકે છે. ઉચકતી વખતે મરનારનું માથું દક્ષીણ તરફ રાખવામાં આવે છે. આ રીતે ઠાઠડી નીકળે તેની પાછળ બીજા સગાઓ અને મિત્રો આવે છે.
વિસામો
મડદાને સ્મશાને લઇ જાતા અડધે રસ્તે વિસામો આવે છે. વિસામો એટલે વિરામ લેવાનું સ્થળ. ત્યાં જમીન ઉપર અથવા માંચડા ઉપર મડદું મુકવામાં આવે છે. આ વિસામાના સ્થળે થોડા પથરા રાખેલા હોય છે. તે મડદાનું રક્ષણ કરનારા દેવતાના પ્રતિક ગણાય છે. આ સ્થળે મડદાના કપડા, તેના ગોદડા, ચાદર તથા બીજા કપડાઓ મૂકી દેવામાં આવે છે. આ સાથે મડદાનું માથું ઉત્તર તરફ ફેરવવામાં આવે છે. અને હવે સ્મશાન યાત્રા આગળ વધે છે. કેટલાક સંજોગોમાં મૃત દેહને દાટવામાં આવે છે. દાટવાની ક્રિયામાં ખાડો ખોદવા સિવાય બીજો કોઈ ખર્ચ તથો નથી. મૃત દેહને બાળે કે દાટે તો પણ અંતિમ ક્રિયા એક સરખી હોય છે. ફેર એટલો હોય છે કે દાટવાની ક્રોયાના અગિયારમાં દિવસે વ્યક્તિનું પુતળું બનાવી બાળવામાં આવે છે.
દાટવાની ક્રિયા
જે જગ્યા દાટવા માટે પસંદ કરવામાં આવી હોય તેના ઉપર ચોખા નાખીને તેને પવિત્ર બનવવામાં આવે છે. પછીજ ખાડો ખોદવામાં આવે છે. ત્યાર બાદ મુખ્ય ડાઘુ ખાડાની આસપાસ ચાર વાર પ્રદક્ષિણા કર છે. પછી તેમાં ચોખા નાખી તેને પવિત્ર બનાવે છે. મડદાને ખાડામાં મુકતા પહેલા તેના મોઢામાં ભાતના કોળિયા મુકવામાં આવે છે. પછી મડદાને ખાડામાં મૂકી ખાડો પૂરી દેવામાં આવે છે. પછી ડાઘુઓ નદીએ નાહવા જાય છે. ત્યાંથી ઘડામાં પાણી ભરી લાવે છે. એ ઘડામાં નાનું કાણું પાડવામાં આવે છે. જેથી કરીને પાણી ખાડામાં ટપકી જાય છે. ઘરે ચાર પાંદડા પર ચોખાની ઢીંગલી બનાવી પાંદડા ચાર દિશામાં મુકવામાં આવે છે. આ ઢીંગલીઓને ચાર દેવતાના પ્રતિક ગણાય છે. આ દેવોને મરનારના નામે દારૂ ધરાવાય છે. પછી ડાઘુઓ દારૂ કે ચા પીને છુટા પડે છે.
અગ્નિદાહ
અગ્નિદાહ માં પણ આવીજ વિધિ કરવામાં આવે છે. જે સ્થળે ચિતા ખડ્કાવવાની હોય તે સ્થળે ચોખા વેરવામાં આવે છે. ચિતા પહેલા અર્થી બનાવવામાં આવે છે. તેમાં લાકડા સીધા અને સપાટ ગોઠવાય છે. પછી તેના ઉપર મડદાને સુવાડે છે. મડદાના મોમાં ભાતના કોળિયા મુકવામાં આવે છે. અને આવા ચાર કોળિયા કાગડાને નાખવામાં આવે છે. પછી ચિતા ઉપર બીજા લાકડા મુકીને તેને બરાબર ઢાંકી દેવામાં આવે છે. પછી મુખ્ય ડાઘુ આગ મુકે છે. મડદું પૂરે પૂરું બળી જાય ત્યાં સુધી બધા ત્યાં બેસી રહે છે. પછી તેઓ નદીએ નાહવા જાય છે. નાહીને છુટા પડતા પહેલા બધા મરનારના ઘરે જાય છે.
સ્ત્રીઓનું કાર્ય
મૃત્યુ પ્રસંગે સ્ત્રીઓનું કાર્ય ખુબજ ઓછું હોય છે. સ્ત્રીઓ સ્મશાન સુધી જતી નથી તેઓ મડદાની પાછળ ગામ કે ફળિયાના ભાગોળેથી અથવા વધુમાં વધુ વીસમા સુધી જાય છે. પછી ત્યાં વિલાપ કરે છે અને છાતી કૂટે છે.
જો સ્ત્રીનો પતિ મારી જાય ત્યારે સ્મશાન યાત્રા માંથી વિસામો કે ભાગોળેથી પાછા ફર્યા બાદ તે સ્ત્રીના હાથ ઉપરથી બંગડીઓ, ગાળા માંથી કાળા મણકાની કંઠી ( મંગળસુત્ર ) તથા નાકની નથણીઓ જેને હળપતિઓ સોભાગ્ય ચિન્હ માને છે. તેથી તેને ઉતારી લેવામાં આવે છે.
જમણ ( મરણ પછીનું જમણ )
મડદું બળવાની કે દાટવાની તૈયારી ચાલતી હોય તે દરમ્યાન ઘર આગળ ડાઘુઓને જમાડવાની તૈયારી કરવામાં આવે છે.
કેટલાક ગામોમાં હળપતિઓ જે ઘરે મરણ થયું હોય તે ઘરે રસોઈ બનતી નથી પરંતુ તેના પાડોશી ઘરોમાં રસોઈ બનાવી મરનારના ઘરે ભાણું ઢાંકવામાં આવે છે. એટલે કે પડોશીઓ પોતાના ઘરેથી જમવાનું બનાવીને લાવે છે. અને મરનારના ઘરના સભ્યોને સાથે બેસાડીને જમાડે છે.
ઉત્તરક્રિયા
( ૧ ) મરનારની અસ્થી : મરનારની અસ્થી અને રાખ નદી અથવા તળાવમાં પધરાવવાની હોય છે. તેમ થતા સુધી એ અસ્થી કે રાખ માટલીમાં ભરી છાપરા ઉપર રાખવામાં આવે છે.
( ૨ ) સુતક : હળપતિઓમાં સુતકની વિધિ મહત્વની ગણાય છે. તેમાં મુખ્યત્વે હજામત કરવાની મનાય છે. મરણ પછી પાંચમાં, સાતમાં કે નાવમાં દિવસે પુરુષો માથાનું મુંડન કરાવે છે. એ થાય એટલે સુતક પૂરું થયું મનાય છે.
ખતરી
હળપતિઓ દેવ દેવીઓ અને ભૂતપલીતોમાં માને છે. ઉપરાંત તેને મરનારનો ભય હંમેશા સતાવતો હોય છે. જયારે જયારે કોઈ દુખ લાંબા સમય સુધી ચાલે છે ત્યારે હળપતિઓ માને છે કે કોઈક પૂર્વજ આ દુખ આપી રહ્યા છે. એને સંતોષવા એની પૂજા કરવી જોઈએ. આ પૂજા કરવા પોતાના પુર્વજના લાકડાના પુતળા બનાવી તેમાં પુરુષ અને સ્ત્રી દર્શાવતા પુતળાને જુદા જુદા રંગનું કપડું પહેરાવવામાં આવે છે. પુર્વાજના લાકડાના પુતળાને ખતરી કહે છે. કુટુંબના ભગતના કહ્યા સિવાય કોઈ ખતરીની સ્થાપના કરવામાં આવતી નથી.
ખતરી એટલે લાકડાનું નાનું પુતળું. આ પુતળું આશરે છ ઇંચ લાંબા ગોળ લાકડાના ટુકડા માંથી બનાવવામાં આવે છે. એનું મો ચપટું હોય છે. એના ઉપર આંખો, મો અને નાક રંગ વડે ચિતરવામાં આવે છે. એની ખતરી તરીકે સ્થાપના કરતા પહેલા એને કપડું પહેરાવવામાં આવે છે. એ સ્રીનું પ્રતિક હોય તો લાલ અને પુરુષનું પ્રતિક હોય તો સફેદ કપડું પહેરાવવામાં આવે છે.
આ ખતરી ની સ્થાપના એમ ને એમ કરવામાં આવતી નથી. જો કોઈ કુટુંબનું વ્યક્તિ સતત માંદુ રહે, દવાથી તેની માંદગી મટે નહિ તો મનાઈ છે કે કોઈ મારેલું માણસ તેની હેરાનગતિ કે પજવણી કરી રહ્યું છે. એટલે કે દર્દીના માથા પરથી ચોખા ઉતારી કુટુંબના ભગતને બતાવવામાં આવે છે. ભગત બધું પૂછી જુએ છે. પછી બધી ગણતરી કરીને કહે છે કે ” તમારા અમુક સગાને ખતરી તરીકે બેસવું છે. એની અધુરી રહેલી વાસનાઓ સંતોષવી છે. જો તમે એને સંતોષ નહિ આપે તો, આ દર્દી ઉપરાંત બીજાને પણ એ હેરાન કરશે. આમ,ભગતના કહેવા પ્રમાણે વિધિ પૂર્વક તેની સ્થાપના કરવામાં આવે છે. અને વાર તહેવાર લગ્ન પ્રસંગે એની વિશેષ પુંજા કરવામાં આવે છે.
મોટો દહાડો ( પરજણ )
પરજણ ઉર્ફે મોટા દહાડામાં પૂર્વજોની સમૂહ પૂજા કરવામાં આવે છે. આ એક વિશિષ્ટ પ્રસંગ છે. કેમ કે એમાં કુટુંબ નહિ અનેક પિતરાઈ કુટુંબના પૂર્વજોની પૂજા કરવામાં આવે છે. આનુ સામાજિક મહત્વ ઘણું છે. કેમ કે કુટુંબનું એકાદ માનસ મરણ પામ્યું હોય તો બધા કુટુંબના સગાઓ આ પ્રસંગે ચાર પાંચ વર્ષે એક વાર એકઠાં થાય છે અને વ્યક્તિગત ધાર્મિક વિધિ કરવાને બદલે સમુહમાં વિધિ કરવામાં આવે છે. એની આ ખાસ વિશેષતા છે. આ પ્રસંગે તેઓ દુર દુર થી આવીને એકઠાં થાય છે. અને તે બતાવે છે કે તેમનું સામાજિક સંગઠન હજી જીવંત છે.
પરજણ અથવા મોટા દહાડાની વિધિ મહાભારતના શુક્લ પક્ષના એટલે કે ફેબ્રુઅરી માર્ચ માસમાં કરવામાં આવે છે. આ ગાળામાં મરણોત્તર ક્રિયાઓ થવાની હોવાથી તે સમય ગાળો અમંગલ ગણાય છે. અને તેથી તે આ ગાળો લગ્ન કે વિવાહ જેવા શુભ પ્રસંગો માટે વર્જ્ય ગણાય છે. આ માસને રડતો મહિનો પણ કહેવામાં આવે છે. આ માટે કાથીની એક દોરી દરેક ગામ કે ફળીયે મોકલવામાં આવે છે. એ દોરીની ગાંઠો વાળેલી હોય છે. જેટલી ગાંઠો વળેલી હોય તેટલા દિવસો પછી પરજણ નો દિવસ આવે એમ માનવામાં આવે છે. નિયત દિવસે જુદા જુદા ગામોમાંથી પુરુષ તેમજ સ્ત્રીઓ સગાઓ સાંજના પહોરે મોટી સંખ્યામાં આવી પહોચે છે.
પૂજાની વિધિ સામાન્ય રીતે રાત્રે ૯ વાગ્યે આસપાસ શરુ થાય છે. આ પ્રસંગ માટે એક ઝુપડું ખાસ તૈયાર કરવામાં આવે છે. જેટલા મુતાત્મોનું તર્પણ કરવાનું હોય એટલી ચોખાની ઢીંગલીઓ ઝુંપડાની મધ્યમાં મુકવામાં આવે છે. દરેક ઢીંગલી ઉપર ટોચે એક રૂપિયો અને સોપારી મુકેલા હોય છે. આ ઢીંગલીઓ વચ્ચે પાણી ભરેલું માટીનું વાસણ મુકવામાં આવે છે. એ વાસણના માટે કોડિયાનો ઘીનો દીવો મુકવામાં આવે છે. એ વાસણના ગળચા માંથી ટીપે ટીપે પાણી ટપકવા દેવામાં આવે છે. આ વિધિ કરવા માટે ભગતને બોલાવવાના હોય છે. બધું બરાબર ગોઠવાઈ જાય એટલે ભગત તેની સાથેના વાજાવાળાને પૂર્વજોના માનમાં ગીતો ગાવાનું અને ગાંગલી ( ઘાંઘલી ) નામનું તાર વાળું વાજિંત્ર વગાડવાનું કહે છે. વાજાવાળા ગાવા-વગાડવાનું શરુ કરે ત્યાંસુધીમાં ભગતને માતા ચઢે છે. અને તે ધ્રુજવા લાગે છે. તે દરમ્યાન વાજાવાળા સ્ત્રીઓને રડવાનું કહે છે. થોડીવાર પછી સ્ત્રીઓને રડતી અટકાવે છે. તે સમયે બધા મૃત આત્માઓ એ સ્થળે એકઠા થાય છે. અને પેલી ચોખાની ઢગલી ઉપર એક એક જણ બેસી જાય છે. એ ઢગલી મૃતાત્માઓની પ્રતિક ગણાય છે. આ વિધિ આખી રાત ચાલે છે. સવારે પાંચ વાગ્યે ભગતને વરિષ્ઠ માતા ચઢે છે. અને પોતાના સગાઓનું તર્પણ કરવા આવેલા લોકોને એક પછી એક પકડે છે. દરેક સાગના નામ દઈને બોલાવે છે. અને કુટુંબમાં તાજેતરમાં મરણ પામેલાના નામ બોલે છે. જયારે એમ ખાતરી થાય કે ભગત એક પણ મરેલાનું નામ ભૂલ્યો નથી ત્યારે તે માણસ ભગતને ઘડા માંથી પાણી પીવડાવે છે. દરેક સગાએ પોતાની પાસે અલગ અલગ ઘડો રાખેલો હોય છે. ભગતને પાણી જે પર્વજનું નામ બોલાય તેને અર્પણ કરે છે. વરિષ્ટ માતા પણ આ પાણીથી પ્રસન્ન થાય છે. પછી મૃતકનો સગો વરિષ્ટ માતાને પ્રાર્થના કરે છે કે , મારા મૃતક સગાની પરલોકમાં તમે સંભાળ રાખજો અને તેની વાસનાઓ તૃપ્ત કરજો.
સવારે સુરજ ઉગે ત્યાં સુધીમાં તમામ આમંત્રિત વ્યક્તિઓ પોતાના મૃત સગાનું તર્પણ પુરું કરે છે. પછી બધા મળીને રસોઈ તૈયાર કરે છે. અને જમ્યા પછી બપોરના સમયે સૌ છુટા પડે છે.
આ પરજણ કે મોટો દહાડો જે કોઈ માણસ પોતાને ઘરે તેડવા માંગતો હોય તેણે આખા સમારંભની જવાબદારી ઉપાડવી પડે છે અને ખર્ચ કરવો પડે છે આ બધું તે રાજી ખુશીથી કરે છે કેમ કે એનાથી તેની પ્રતિષ્ઠા વધે છે.
આમ આ હળપતિ સંસ્કૃતિ તથા રીત રીવાજો જે સારી બાજુ છે તે ખરેખર આંખે ઉડીને વળગે તેવી છે. એને મહત્વ આપવું ખુબ જ જરૂરી છે. આજે હળપતિ અન્ય સમાજ સાથે ભળવાથી એમનાં રીત રીવાજો, શિક્ષણ, વ્યવસાય, રહેણી કરણીમાં ખાસો તફાવત જોવા મળે છે. ૨૧મી સદીમાં દેશના અન્ય સમાજ સાથે તાલ મેળવવા હળપતિ થનગની રહ્યા છે, તેથી તેમને પ્રોત્સાહન મળે છે. તેથી તેમને પ્રોત્સાહન મળે તથા એવી યોજનાઓનો યોગ્ય લાભ મળે તેવા પ્રયત્ન સમાજના શિક્ષિત આગેવાનો તથા સરકારી બાબુઓ દ્વારા નિષ્ઠા પૂર્વક થવા જોઈએ. જેથી આપણો સમાજ અન્ય સમાજના સાથે તાલથી તાલ મેળવી પ્રગતિ કરી શકશે. સાથોસાથ આપણી સંસ્કૃતિ તથા અસ્મિતાને પણ ઉજાગર કરી શકે છે.
Dr. Shaileshbhai Chhabildas Rathod
Associate professor Shree Vanraj Arts And Commerce College, Dharampur.
Reff. : Halpati Samaj Saurabh – Dakshin Gujarat Halpati Samaj Pragati Mandal Surat (1991 – 2016 ) Page – 111