ચણાની ખેતી

0

જોહાર,

       આદિજાતિ વિસ્તારના આપણાં આદિવાસી ખેડૂતો ખેતીની વાત કરવામાં આવે તો અનાજ,શાકભાજી તથા રોકડિયો પાકો કરે છે,આ ઉપરાંત ટુકા સમયગાળાની ખેતી માટે પણ જુદા જુદા પ્રયત્નો કરવા જોઇયે,દેશના હિતાર્થે અને ખેડૂતના લાભાર્થે આપણાં દેશની કૃષિ યુનિવસિટી માં જુદા જુદા પ્રકારના સંશોધનો થતાં રહે છે માટે અવાર નવાર આપણાં તમામ ખેડૂતો મિત્રોએ આ યુનિવર્સિટીની મુલાકાત અવશ્ય કરતાં રહેવી જોઇયે.    

        ખેતીની નવિનવી પધ્ધતિ અને ગુણવત્તા સભર ઉત્પાદન માટે ખેડૂતે કઈ ઋતુમાં કઈ ખેતી કરવી એનું ધ્યાન રાખી ખેતી કર્યે તો સારી આવક મળી રહે છે.તથા અનાજ,શાકભાજી,ફળફળાદીના પાકો સાથે જો કઠોળના પાકોની ખેતી પણ કરે તો ઓછા ખર્ચે ધણુ સારું ઉત્પાદન મેળવી વધુ સારી આવક મેળવી શકે એમ છે,

        હાલનો સપ્ટેમ્બર મહિનો હવે પૂરો થવા આવ્યો છે અને આવતી ઋતુએ શિયાળુ આવી રહી છે,શિયાળાની ઋતુમાં કઠોળની ખેતીની વાત કરવામાં આવે તો લામ,મગ,અડદ,તુવેર,પાપડી અને ચણાની ખેતી કરી ઓછા ખર્ચમાં વધુ આવક મેળવી શકાય છે 

આ બ્લોગમાં ચણાની ખેતીની વાત કરીશું

        ચણા એ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે ચણામાં ફાઈબર વધુ હોય છે અને આયર્ન,ફોલિક એસિડ સારા પ્રમાણમાં મળે છે ચણાથી પાચનમાં સુધારો થાય છે, વજન ઉતારવામાં પણ વધુ ઉપયોગી છે,તથા અનેક રોગો સામે રક્ષણ પૂરું પડે છે, ચણાએ શક્તિ વર્ધક છે તેથી જીવનમાં સારું આરોગ્ય માટે ચણાનું સેવન અતિ ઉત્તમ છે.

        ચણાએ ઠંડી અને સૂકા વાતાવરણમાં ખુબજ સરસ થાય છે, આપણાં વિસ્તારમાં ચણાના પાકની ખેતીનું વાતાવરણ માફક આવે છે ઠંડીનું પ્રમાણ વધુ અને ઠંડીના દિવસ ઓછા હોય તેથી ઓછા દિવસોમાં ચણાનો પાક પાકી જાય છે આપણાં વિસ્તારના કેટલાક બિનપિયત વાળા વિસ્તારમાં પણ ચણાની ખેતી સારી થાય શકે છે.

ચણાની જાતો

ચણાની મુખ્ય બે જાતો છે 1. કાબુલી 2. દેશી

કાબુલી ચણાએ સાઈઝ દેશી ચણા કરતાં મોટા અને સફેદ રંગના હોય છે આ જાતને વધુ તીવ્ર ઠંડી અને વધુ દિવસો માફક હોવાથી આ જાતનું  ગુજરાતમાં વધુ ઉત્પાદન મળતું નથી.

કાબુલી ચણાની જાત :

કાક-૨,એલ-૫૦

દેશી ચણાની જાત આપણાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધુ અને ઠંડીના દિવસ ઓછા હોય તેથી ઓછા દિવસોમાં ચણાનો પાક પાકી જાય છે દેશી ચણા રંગે હળવા પીળા હોય છે અને સાઈઝમાં કાબુલી ચણા કરતાં નાના હોય છે.

દેશી ચણાની જાત:

ગુજરાત ચણા-૧.

ગુજરાત ચણા-૨(૯૦ થી ૯૫ દિવસ મોટા દાણા)

ગુજરાત જુનાગઢ ચણા-૩ (જે બીન પિયત ૯૮ થી ૧૦૦ દિવસ)

ગુજરાત ચણા-૪ (પિયત ચણા ૧૦૦ થી ૧૦૩ દિવસ)

ગુજરાત જુનાગઢ ચણા -૬(બિન પિયત ૧૧૦ થી ૧૧૨ દિવસ)

આપણાં દક્ષિણ ગુજરાત માટે મહારાસ્ટ્રની PKV-2 જાતએ ખુબ જ બેસ્ટ છે  અને ઉત્પાદન પણ સારું મળે છે અને રોગ જીવાત પણ ઓછી જોવા મળી છે.

જમીનની તૈયારી

        સારી ભેજ શક્તિ ધરાવતી ,કાળી અથવા મધ્યમ કાળી ,સારી કાપવાળી ફળદ્રુપ,જમીનમાં ચણા ખુબજ સારા થાય છે ,આમ તો ગોરાળું ,તથા મધ્યમ રેતાળ જમીનમાં પણ ખેતી કરી શકાય છે અને 15 ટન છાણિયું ખાતર નાખી દાતી + રાપ + સમાંર વડે ખેતર ખેડી જમીન તૈયાર કરવું તથા ચોમાસાના ડાંગર લીધા પછી એ પળા(ખેતર) માં ચણાનું ઉત્પાદન સારું મળે છે

*ચણાની વાવણી વખતે ચણાના સિડ(બીજ) જમીનમાં 15 સેમી કરતાં ઊંડા ન જાય એની ખાસ કાળજી લેવી*

વાવણીનો સમય

        કોઈપણ ખેતીમાં વાવણીનો સમયએ પાકના ઉત્પાદન પર આધાર રહે છે,માટે ચણાની ખેતીમાં 15 ઓક્ટોમ્બર થી 15 મી નવેમ્બર સુધીમાં વાવેતર કરી નાખવું જોઇયે,ટૂકમાં શિયાળાની શરૂઆતમાં પિયત ચણા વાવી દેવા જોઇયે અને બિનપિયત ચણા જમીનનો ભેજ સુકાય ત્યારબાદ કરવા જોઇયે.

બીજનો દર

        ચણાની મોટા દાણા વાળી જાતોનું વાવેતર કરવું હોય તો હેક્ટર દીઠ 80 કિલો બિયારણની જરૂરિયાત રહે છે અને નાના દાણા ચણાની જાત હોય તો 60 થી 65 કિલોની જરૂરિયાત રહે છે અને વિધા દીઠ 14 થી 15 કિલો બિયારણની જરૂરિયાત રહે છે.

વાવણીનું અંતર

        દરેક ચાસ વચ્ચે 45 થી 60 સેમીનું અંતર આવશ્યક છે અને બે છોડ વચ્ચે 10 થી 15 સેમી જરૂરી છે અને જો વધારે અંતર હોય તો એની વૃધ્ધિ વધુ થાય છે અને ઉત્પાદન પર પણ અસર કરી શકે છે .

બીજ માવજત

વાવણી કરવી હોય એ પહેલા ફૂગનાશકનો પાટ જરૂર આપવો જોઇયે ત્યારબાદ જ રાઈજોબિયમ કલ્ચર આપવું જોઇયે.

એક કિલો ચણાના બિયારણમાં કાર્બન્દેજમ 1 ગ્રામ + થાયરમ 1 ગ્રામ +વાયટાવેક્ષ 1 ગ્રામ + ટ્રાયકોડર્મ વીરીડી નામની ફૂગ 4 ગ્રામ આપવું,

ત્યારબાદ થોડી વાર સુકાવા દઈ  એફ-75 રાઈજોબિયમ કલ્ચરનો પટ આપવો. 

(આ દરેક રા.દવા એગ્રોમાં સરળતાથી મળી રહે છે અને ખબર ન પડે તો નીચે આપેલ સંપર્ક પર મેસેજ કરો)

ખાતર

દરેક કઠોળ વર્ગની વનસ્પતિમાં નાઇટ્રોજનની પૂરતી ખૂબ જ ઓછી આપવી જોઇયે કારણ કે એમના મૂળ મૂળગંડકમાં નાઇટ્રોજન ને હવામાથી  જમીનમાં ફિક્ષ કરે એવા બેક્ટેરિયા હોય છે,

હેકટરે વાવણી પહેલા ચાસમાં એન:પી 20 : 40  જરૂરિયાત હોય છે ત્યાર બાદ 20 કિલો જીપ્સમનો વાપસશ કરવો.ત્યાર બાદ ડીએપી+યુરિયા 80 + 10 કિલો આપવા.બને ત્યાં સુધી ઓર્ગેનિક ખેતી કરવાના પ્રયાસો કરવા, ડાંગને સંપૂર્ણ ઓર્ગેનિક ડિસ્ટ્રીક તરીકે જાહેર કર્યું છે .

ચણામાં પિયત

        પહેલું પાણી ચણાની વાવણી કરી તરત જ આપવું જોઇયે ત્યારબાદ ચણાની ડાળી ફૂટવાનો સમય હોય ત્યારે 15 થી 20 દિવસે ત્યારબાદ ફૂલ આવવા ના સમયે એટલે કે 40-50  દિવસે આપવું જોઇયે ત્યારબાદ ચણાના પોપટા બેસવાના સમયે 60 થી 70 દિવસે આપવું આપ ચણાની દરેક કટોકટી સમયે જરૂર પૂરતું પિયત જો આપયે તો ઉત્પાદન સારું મળે છે.

નીંદામણ + આંતરખેડ

        હમેશા ખેતર અને શેઢાપાળા નીંદામણ રહિત ચોખ્ખું હોવું જોઇયે તેથી ઉત્પાદન પર સારી અસર પડે છે , કોઈ પણ પાકમાં બને ત્યાં સુધી હાથ નીંદામણ જ કરવું તેમ છતાં નીંદામણ કંટ્રોલ મા ન રહે ત્યારે જ નીંદામણનાશક દવાનો છંટકાવ કરવું,

        ચણાની વાવણી બાદ અને ઉગવાના પહેલા (સ્ટોમ્પ) પેંડીમિથિલીન 10 લી પાણીમાં 55 થી 60 મિલી નાખવું. અને એક મહત્વની વાત પાકની ફેરબદલી અવશ્ય કરતાં રહેવું જોઇયે,જુવાર તથા બાજરાના પાક બાદ ચણાની ખેતી કરવાથી ઉત્પાદન સારું મળે છે.

રોગ જીવાત

        ઉત્પાદન પર સીધી અસર કરતાં મુખ્ય પરિબળએ રોગ જીવાત છે,ખેડૂત મિત્રોએ પહેલાથી જ જીવાત રોગ પર કંટ્રોલ કઈ રીતે કરવોએ બાબત પર પૂરતું ધ્યાન આપવું જોઇયે.

        ચણા ના પાક માં મુખ્યત્વે લીલી ઇયળનો ઉપદ્રવ વધુ રહે છે,જે ચણામાં પોપટા , લીલા કુણા પાન કોરી ખાય છે માટે લીલી ઇયળ માટે ક્લોરોપાયરીફોસનો દર 10 થી 12 દિવસે છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મળે છે ત્યાર બાદ ચૂસીયા અને એફિડનો પણ ઉપદ્રવ રહે છે જે લીલા પાન નો રસ ચૂસે છે એના નિયંત્રણ માટે સાયપરમેથરિન ,ફિફ્રોનીલ 5 %  દવાનો છંટકાવ કરવો જોઇયે તથા ઓર્ગેનિક દવા જેવી કે નીંમ ઓઇલ 300પીપીએમનો 30 એમ એલ 10 લી પાણીમાં છંટકાવ કરવો જોઇયે. 

        સામાન્ય રીતે રોગની વાત કર્યે તો સુકારોએ ચણાના પાકમાં દરેક અવસ્થાએ જોવા મળે છે માટે આ રોગ ન આવે એ માટે પાક ની ફેર બદલી જરૂરી છે અને દિવેલા નો ખોડ વાપરવો જોઇયે તથા રોગ મુક્ત બિયારણ વાપરવું જોઇયે અને તેના નિયંત્રણ માટે કાર્બાન્ડેજીમનો પટ તથા મેંકોબ્જેબ અથવા ક્લોરોથેલીનીલ 30 ગ્રામ 10 લી પાણીમાં છટવું .

આ સાથે સમસ્ત આદિવાસી સમાજ,સુરતનો આભારી છુ કે જેવો ખૂબ સરસ પ્રયત્નો કરી રહ્યા છે,આવીજ પ્રગતિ કરતાં રહો જે સાથે આપ સૌને રાહુલ ધોડિઆના જય આદિવાસી.

        સ્ટ્રોબેરી,મશરૂમ તથા અન્ય શાકભાજીના બિયારણ માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો

લી.

રાહુલ ધોડિયા , સિંગાડ વલ્લી, તા. વાંસદા, જી. નવસારી. ૯૬૩૮૮૬૨૧૦૬

टैग्स: ,
Choose your Reaction!
Leave a Comment